દિવાળી પહેલાં ફટાકડા પર પ્રતિબંધ અને નિયમન અંગેની અરજીઓ પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે તે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદશે નહીં, પણ 24 કલાક ફટાકડા ફોડવાની છૂટ પણ આપશે નહીં. અદાલતે ધાર્મિક લાગણીઓ અને લોકોના સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
જસ્ટિસ એમ.એમ. સુંદરેશે કહ્યું, “અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે ન તો અમે સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની માંગ સ્વીકારીશું, ન તો લોકોને 24 કલાક ફટાકડા ફોડવાની છૂટ આપીશું. તેના બે કારણો છે: પ્રથમ, સંપૂર્ણ પ્રતિબંધથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. બીજું, આખો દિવસ ફટાકડા ફોડવાથી વૃદ્ધો, દર્દીઓ અને બાળકો પર ખરાબ અસર પડે છે. તેથી અમારે એવો મધ્યમ માર્ગ શોધવો પડશે જેમાં ફટાકડા ફોડવાનો સમય અને પ્રકાર નક્કી કરી શકાય.”
આ અરજી ત્રણ સગીર બાળકોએ દાખલ કરી હતી, જેમાં ફટાકડાથી સ્વાસ્થ્ય પર થતા જોખમો દર્શાવીને વાયુ પ્રદૂષણ રોકવા કડક નિયંત્રણો માંગવામાં આવ્યા હતા. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠ ‘અર્જુન ગોપાલ વિરુદ્ધ ભારત સરકાર’ કેસની સુનાવણી કરી રહી હતી.
સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર વિચારણા કરી, જેમાં શરતો સાથે લૂમવાળા ફટાકડા (સીરીઝ ક્રેકર્સ)ના ઉત્પાદન અને પર્યાવરણીય ચકાસણીને આધીન ‘ગ્રીન ફટાકડા’માં બેરિયમના ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કરવામાં આવી છે. અદાલતે નવી પેઢીના લૂમવાળા ફટાકડાને કડક શરતો સાથે વાપરવાની કેન્દ્રની ભલામણને સૈદ્ધાંતિક રીતે ગ્રાહ્ય રાખી છે. આ શરતોમાં ફટાકડાની સંખ્યા, તેના શેલનું કદ અને સતત ફૂટતા ફટાકડા વચ્ચેનો સમયગાળો નક્કી કરવાનો સમાવેશ થાય છે. આ ભલામણો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ટેકનિકલ નિષ્ણાતો અને હિતધારકો સાથે પરામર્શ કરીને રજૂ કરી હતી. નોંધનીય છે કે અવાજ, વાયુ પ્રદૂષણ અને ઘન કચરાની સમસ્યાને કારણે સુપ્રીમ કોર્ટે 2018માં લૂમવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો.
અદાલતે સ્પષ્ટ કર્યું કે દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના નિયમો અંગેનો મામલો અત્યારે સ્થગિત રાખવામાં આવ્યો છે, કારણ કે ‘એમ.સી. મહેતા વિરુદ્ધ ભારત સરકાર’ કેસમાં દિલ્હી-એનસીઆર માટે અલગ પ્રક્રિયા પહેલેથી પેન્ડિંગ છે.
એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું કે CSIR-NEERIના સૂચનો મુજબ નિર્ધારિત શરતો લાગુ કરાશે, જેથી પાર્ટિક્યુલેટ મેટર (PM)નું ઉત્સર્જન નોંધપાત્ર રીતે ઘટશે અને અવાજ 125 ડેસિબલથી વધુ નહીં રહે. જોકે, અરજદારો તરફથી એડવોકેટ પૂજા ધરે આ પ્રસ્તાવનો સખત વિરોધ કરતાં દલીલ કરી કે દિવાળી દરમિયાન પરાળી સળગાવવાની મોસમ પણ હોય છે, જેથી બે દિવસમાં ભારે પ્રદૂષણ ફેલાય છે. તેમણે અગાઉ અદાલતે આપેલા સમયમર્યાદાના નિર્દેશોનું જમીની સ્તરે ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ પણ કરી હતી.
કેન્દ્ર સરકારે ‘જનરેશન 2 ગ્રીન ક્રેકર્સ’માં બેરિયમની માત્રાની ચકાસણી માટે દિલ્હી, ભોપાલ, કોલકાતા અને ચેન્નાઈ જેવા ચાર શહેરોમાં આઉટડોર ટેસ્ટિંગ પૂર્ણ કરવા વધુ સમય માંગ્યો છે. ASG ભાટીએ આઉટડોર ટેસ્ટિંગના રિપોર્ટ રજૂ કરવા માટે 15 ઓક્ટોબર સુધીની મુદત માંગી હતી. સુપ્રીમ કોર્ટે આ વિનંતી સ્વીકારીને આ મામલે આગામી સુનાવણી 15 ઓક્ટોબરના રોજ નક્કી કરી છે. આ સુનાવણીમાં બેરિયમના ઉપયોગ અંગેનો આખરી નિર્ણય આઉટડોર ટેસ્ટિંગના પરિણામો પરથી લેવાશે.