નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે વ્યવસાયિક શિક્ષણમાં મનસ્વી ફી વધારા પર રોક લગાવતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મેડિકલ, ઈજનેરી અને ફાર્મસી કોલેજો ચાલુ અભ્યાસક્રમ દરમિયાન ફી વધારી શકશે નહીં. આ સાથે જ દેશભરની ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ સમગ્ર અભ્યાસક્રમનું ફી માળખું જાહેર કરવું ફરજિયાત બનાવ્યું છે.
આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત મળશે. અગાઉ ઘણી સંસ્થાઓ અભ્યાસક્રમ દરમિયાન મનસ્વી રીતે ફી વધારતી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ વધતો હતો. હવે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી આવી પ્રથા પર અંકુશ આવશે.
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોની હાઈકોર્ટને ફી નિયમન સમિતિઓની કામગીરી પર કડક નજર રાખવા આદેશ આપ્યો છે. આનો હેતુ શિક્ષણના વ્યાપારીકરણ અને ખાનગી સંસ્થાઓ દ્વારા થતા આર્થિક શોષણને રોકવાનો છે. હાઈકોર્ટની દેખરેખથી ફી સમિતિઓ વધુ જવાબદાર બનશે અને શિક્ષણના અધિકાર તેમજ વાજબી ફીના ધોરણો સુનિશ્ચિત થશે.
આ ચુકાદો વ્યવસાયિક શિક્ષણ ક્ષેત્રે પારદર્શકતા લાવવા અને વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.