સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે જો દેશમાં 100% ઈથેનોલથી ચાલતા વાહનોને મંજૂરી આપવામાં આવે, તો તેમની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઈથેનોલનો સપ્લાય કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે? સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે, આ સમગ્ર બાબતને માત્ર વાહનોના સંદર્ભમાં નહીં, પરંતુ વ્યાપક જનહિત, પર્યાવરણ અને ખાસ કરીને ખેડૂતોના આર્થિક સશક્તિકરણના દ્રષ્ટિકોણથી જોવી જરૂરી છે.
સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચ ઈથેનોલ સપ્લાય વર્ષ 2025-26 માટે ઈથેનોલની ફાળવણી સંબંધિત અરજીઓની સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન અદાલતે તાજેતરના અખબારી અહેવાલોનો ઉલ્લેખ કર્યો જેમાં 100% ઈથેનોલ વાહનોને લીલી ઝંડી આપવાની વાત કહેવામાં આવી હતી. પીઠે જણાવ્યું કે, અમે અખબારોમાં આવા વાહનોને પરવાનગી અપાયાના સમાચાર વાંચ્યા છે, તેથી સૈદ્ધાંતિક રીતે જાણવા માંગીએ છીએ કે, જો આવા વાહનો રસ્તા પર દોડશે તો તેમની ઈંધણની માંગ પૂરી કરવા પૂરવઠો કેવી રીતે પહોંચાડવામાં આવશે. અદાલતના આ પ્રશ્ન પર એટર્ની જનરલ આર. વેંકટરમણીએ જણાવ્યું હતું કે આ માટે મોટા પાયે મેન્યુફેક્ચરિંગ વ્યવસ્થામાં ફેરફારો કરવા પડશે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દેશના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને તેમને સક્ષમ બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. જસ્ટિસ સુંદરેશે કહ્યું કે, આ મામલાને લોકોના હિત અને પર્યાવરણની સુરક્ષા સાથે જોડવો અનિવાર્ય છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે દેશની સૌથી મોટી વસ્તી ધરાવતા ખેડૂતોને ઈથેનોલ વ્યવસ્થાથી કઈ રીતે સશક્ત બનાવવા તે પાસું કોઈ યોગ્ય રીતે ઉજાગર કરી રહ્યું નથી. ગ્રામીણ વિસ્તારોમાં વસતા સામાન્ય લોકો અને ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થાય તે પ્રકારનું આયોજન હોવું જોઈએ.
એટર્ની જનરલ આર. વેંકટરમણીએ અદાલતને ખાતરી આપી હતી કે સરકાર પોતાની દલીલો દરમિયાન ખેડૂતોના હિતો સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ વિગતવાર રજૂ કરશે. સુનાવણી દરમિયાન વકીલોએ દલીલ કરી હતી કે ઈથેનોલને પ્રોત્સાહન મળવાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેડૂતોને મોટો આર્થિક લાભ થશે અને કેન્દ્ર સરકારની પોલિસીમાં તેમના હિતોને પ્રાથમિકતા અપાઈ છે. સુપ્રીમ કોર્ટે હવે આ સમગ્ર મામલાની આગામી સુનાવણી આવતા મહિને નિયત કરી છે.