દિલ્હીમાં 47 લાખ નાગરિકો અચાનક મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જેમાં ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વી. મોહના અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચની વર્કિંગ સિસ્ટમની પોલ ખોલતા કેટલાક મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા છે.
આ વિવાદનું કેન્દ્ર છે ફોર્મ-6. ચૂંટણી પંચે 2026ની મતદાર યાદીમાં સામેલ હોવા છતાં ડ્રાફ્ટ રોલમાંથી કપાયેલા જૂના મતદારોને પોતાનું નામ પાછું મેળવવા ફોર્મ-6 ભરવાની ફરજ પાડી છે. ફોર્મ-6 નવા મતદાર તરીકે નોંધાવવા માટેની અરજી છે, જ્યારે સરનામું બદલવા માટે ફોર્મ-8 હોય છે. આમ, જૂના મતદારોને ફોર્મ-6 ભરવાની ફરજ પાડીને તેમને ખોટો એકરાર કરવા મજબૂર કરવામાં આવે છે કે તેઓ નવા મતદાર છે.
સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે કે શું સરકાર કાયદેસરના નાગરિકો પાસેથી બળજબરીથી ખોટો એકરાર કરાવી રહી છે? માત્ર દોઢ મહિનાના સમયગાળામાં દિલ્હીમાં 1.45 કરોડ લોકોને ફોર્મ મોકલવાનો દાવો કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે કાયદા મંત્રાલય કે સંસદની મંજૂરી વગર તેના ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ-6માં ફરજિયાત ડિક્લેરેશન ઉમેર્યું અને દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટે આવું કરવા કહ્યું છે. વધુમાં, ત્રણમાંથી બે કમિશનર્સના વાંધા છતાં નિર્ણયો ધડાધડ લેવામાં આવ્યા હોવાની ચર્ચા છે.
આ પ્રક્રિયાને સમજવા માટે SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની ટાઈમલાઈન જોવી જરૂરી છે. ચૂંટણી પંચના 26 સપ્ટેમ્બર 2026ના ઓફિશિયલ ડેટા મુજબ, દેશના 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી 20 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પૂરી થઈ ગઈ હતી, જ્યારે 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રક્રિયા ચાલુ હતી.
આ વિવાદ તમારા સુધી કેવી રીતે પહોંચે છે? ધારો કે તમે ગુજરાતના સુરતમાં રહેતા હતા અને અમદાવાદમાં રહેવા જતા રહ્યા. તમે બેંકથી લઈને આધારકાર્ડ સુધી બધું અપડેટ કરી દીધું, પણ ચૂંટણી પંચનું ફોર્મ તમારા જૂના ઘરે પહોંચ્યું અને પાછું જતું રહ્યું. તો ચૂંટણી પંચના ચોપડે તમે શિફ્ટેડ કે મૃત જાહેર થઈ ગયા છો. હવે તમારે તમારો મતનો અધિકાર પાછો લેવા માટે નવેસરથી સાબિત કરવું પડશે કે 2023માં તમારા માતા-પિતા કે દાદા-દાદી ક્યાં રહેતા હતા.
આ વિવાદ માત્ર ભૂલથી નામ કપાવાનો નથી, પણ સત્તાના કેન્દ્રીકરણનો પણ છે. આ સિવાય ફોર્મ-7 અને ફોર્મ-8માં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં ન્યાયિક અધિકારીઓ દ્વારા માન્ય રખાયેલા 16.10 લાખ મતદારોને ફરીથી કાઢી નાખવા માટે CEO કચેરીના અધિકારીઓ દ્વારા સામૂહિક અપીલો દાખલ કરવામાં આવી હોવાની ચર્ચા છે. SIR દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ-ધંધા માટે ગયેલા જૂના મતદારોને ફોર્મ-8 ભરવાની મંજૂરી આપવાને બદલે પંચે તેમને ક્લીન સ્લેટના નામે ફોર્મ-6 ભરવાનો આદેશ આપ્યો છે.
આમ, સુપ્રીમ કોર્ટના સવાલો ચૂંટણી પંચની બંધારણીય ભૂમિકા અને મતદારોના અધિકારો પર ગંભીર ચર્ચા ઉભી કરે છે. આ કેસનું પરિણામ ભારતની લોકશાહી માટે મહત્વપૂર્ણ રહેશે.