સુપ્રીમ કોર્ટે સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની અરજી પર સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે જો ચૂંટણી પંચે કાયદાનો ભંગ કર્યો હોય તો તેના તમામ નિર્ણયો રોકી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. તેમના પર SIR સાથે જોડાયેલા લગભગ 14 નિર્ણયો અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ વિના લેવાનો આરોપ છે. કોર્ટે આ આરોપો અંગે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો છે. જવાબ જોયા બાદ જો નિર્ણયો સંમતિ વિના લેવાયા હોવાનું જણાશે, તો તેમને પાછા ખેંચી શકાય છે.
આ સિવાય યુપીમાં ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 8 ઉમેદવારોની જાહેરાત કરી છે. તમામ નવા ઉમેદવારોમાં 2 મહિલાઓ છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં સામેલ બી.એલ. વર્મા અને હરદીપ પુરીની ટિકિટ કાપી દેવામાં આવી છે. ઉમેદવારોમાં 2 બ્રાહ્મણ, 1 ઠાકુર, 3 પછાત અને 2 દલિત સમાજના છે.
રશિયામાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે. સાઇબેરિયાની એન્ટી-પ્લેગ સંશોધન સંસ્થામાં કામ કરતી 28 વર્ષની મહિલા કર્મચારીનું અજાણ્યા વાયરસથી મૃત્યુ થયું છે. લેબોરેટરીમાં કામ કરતી વખતે જીવંત જૈવિક નમૂનાઓ ધરાવતી એક ટેસ્ટ ટ્યુબ તેના હાથમાંથી તૂટી ગઈ હતી. તેને ન્યૂમોનિયા થયો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. તેના સંપર્કમાં આવેલા લગભગ 200 લોકોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સ આજથી મોંઘી થઈ છે. એરલાઇને સ્થાનિક ફ્લાઇટ્સમાં ₹1300 સુધી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ₹10,000 સુધીનો વધારાનો ફ્યુઅલ ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે. નવી કિંમતો 6 ઓક્ટોબરની રાત્રે 12:01 વાગ્યાથી લાગુ થશે. ઇન્ડિગોએ છ મહિનામાં ત્રીજી વખત ફ્યુઅલ સરચાર્જ વધાર્યો છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) મોંઘું થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં 10,000થી વધુ ક્લાસ-3 મહેસૂલી કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે. તેમની માંગણીઓ અંગે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત વૃંદાવનમાં સંત પ્રેમાનંદના શિષ્ય રસિક દુલારી શરણની આત્મહત્યા પહેલાંનો ત્રીજો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તેઓ સીડીઓ પરથી અગાસી પર જતા અને તેમની ધોતી પર લોહીના નિશાન દેખાઈ રહ્યા છે.
આજની મહત્વની ઘટનાઓ પર નજર રહેશે. દિલ્હીમાં I.N.D.I બ્લોકમાં સામેલ 19 પક્ષો ચૂંટણી પંચનો ઘેરાવ કરશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં સવારે 11 વાગ્યે કેબિનેટ બેઠક યોજાશે.