દેશભરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે જે વાહનોના ઈ-ચલાન લાંબા સમયથી બાકી હોય, તેવા વાહનો તપાસમાં મળે તો તાત્કાલિક જપ્ત કરવામાં આવે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ નિર્દેશ આપ્યા છે.
કોર્ટના ધ્યાને આવ્યું કે દેશભરમાં 23,000 કરોડ રૂપિયાથી વધુનો ટ્રાફિક દંડ વસૂલવાનો બાકી છે. કોર્ટમાં રજૂ થયેલા સત્તાવાર આંકડા મુજબ, દેશભરમાં કુલ 49,194.05 કરોડ રૂપિયાના ઈ-ચલાન જારી થયા હતા. તેમાંથી વાહનચાલકોએ 26,175.05 કરોડ રૂપિયા ચૂકવ્યા છે, જ્યારે 23,019 કરોડ રૂપિયાનો દંડ હજુ બાકી છે.
દંડ ન ભરનારા વાહનમાલિકો સામે કાર્યવાહી કરવા કોર્ટે કેન્દ્રીય પરિવહન પોર્ટલ પરની સંબંધિત ડિજિટલ સેવાઓ તાત્કાલિક સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. જૂનો બાકી દંડ પૂરેપૂરો ભરાય નહીં ત્યાં સુધી તે વાહનની નોંધણી પ્રમાણપત્ર (RC) રિન્યૂ કરવું, ડુપ્લિકેટ દસ્તાવેજો મેળવવા કે રહેઠાણનું સરનામું બદલવા જેવી સેવાઓ બંધ રહેશે.
કોર્ટે પરિવહન વિભાગોને સ્પષ્ટ કહ્યું છે કે નિયમભંગ કરનારા અને દંડ ન ભરનારા વાહનોને ફિટનેસ પ્રમાણપત્ર તથા પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) આપવામાં ન આવે. આવા વાહનોને પરિવહન પોર્ટલ પર કાળી યાદીમાં મૂકાશે, જેથી તે વાહન વેચી શકાય કે માલિકી હક બદલી શકાય નહીં. વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પકડાયેલા ચાલકોનું ડ્રાઈવિંગ લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરાશે.
બેન્ચે નોંધ્યું કે અદાલતો મારફતે દંડ વસૂલવાની પરંપરાગત પદ્ધતિ હવે અસરકારક રહી નથી, કારણ કે બાકી કેસોનો ભરાવો ઘણો મોટો થઈ ગયો છે. જમીની સ્તર પર કડક વસૂલાત વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી લાખોની સંખ્યામાં આપમેળે જારી થતા ઈ-ચલાનની ચાલકો પર કોઈ અસર થતી નથી.
ન્યાયાધીશોએ રાજ્ય પ્રશાસનોને ચેતવણી આપી છે કે આ નિર્દેશો માત્ર કાગળ પર રહ્યા તો આદેશનું પાલન ન કરનારા સત્તાવાળાઓ સામે કોર્ટ આકરી કાર્યવાહી કરશે. આ નિર્દેશ વર્ષ 2012થી માર્ગ સુરક્ષા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી એસ. રાજશેખરન વિરુદ્ધ ભારત સરકારની જાહેર હિતની અરજી હેઠળ આપવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને હાલની ઈલેક્ટ્રોનિક તપાસ વ્યવસ્થામાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) જોડવાનો આદેશ પણ આપ્યો છે. આ નવી પ્રણાલી કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989ના નિયમ 167A(3) હેઠળ આવતા 12 ચોક્કસ ટ્રાફિક નિયમભંગને આપમેળે પકડી પાડશે.
સમગ્ર વ્યવસ્થામાં પારદર્શિતા જળવાય તે માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય જાહેર ઓનલાઇન ડેશબોર્ડ શરૂ કરશે. આ ડેશબોર્ડ દર મહિને અપડેટ થશે, જેમાં રાજ્યવાર કેટલા ઈલેક્ટ્રોનિક અમલીકરણ ઉપકરણો કાર્યરત છે અને પકડાયેલા ઉલ્લંઘનો સામે કેટલા ઈ-ચલાન બન્યા તેની માહિતી જાહેર થશે.