દેશભરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલાણની રકમ ન ભરનારા વાહનચાલકો સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. બાકી રકમની વસૂલાત માટે કોર્ટે ટ્રાફિક ચલાણની રકમ વીજળી બિલમાં જોડી દેવા, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) રિન્યુ ન કરવા અને પ્રદૂષણ નિયંત્રણ (PUC) પ્રમાણપત્ર અટકાવવા જેવા મહત્ત્વના સૂચનો આપ્યા છે.
દેશભરમાં 45 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમના ઈ-ચલાણ બાકી છે. જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 25 હજાર કરોડ રૂપિયાની જ વસૂલાત થઈ શકી છે. મોટા પ્રમાણમાં રકમ વસૂલવાની બાકી રહેવાથી અને લોકો દ્વારા નિયમોની અવગણના થતી હોવાથી સર્વોચ્ચ અદાલતે આ પગલાં સૂચવ્યાં છે.
કોર્ટે સૂચવ્યું છે કે જો ટ્રાફિક ચલાણ ન ભરાય તો વાહનચાલકોનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) રિન્યુ ન કરવું જોઈએ અને તેમને પ્રદૂષણ નિયંત્રણ (PUC) પ્રમાણપત્ર આપવા પર પણ રોક લગાવવી જોઈએ. ઉપરાંત, વસૂલાત ઝડપી અને નિશ્ચિત બનાવવા માટે ચલાણની રકમ ગ્રાહકોના વીજળી બિલ સાથે સાંકળવાની ભલામણ પણ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના આ સૂચનોથી ભવિષ્યમાં ટ્રાફિક ચલાણની વસૂલાત પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે અને દંડ ન ભરનારા વાહનચાલકો પર કાનૂની કાર્યવાહી કડક થશે. આ પગલાંથી નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે શિસ્ત વધશે અને સરકારી મહેસૂલની વસૂલાત ઝડપી થશે.