દેશમાં ડિજિટલ ફ્રોડની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે ડિજિટલ ફ્રોડના પીડિતોને થયેલા નુકસાન માટે બેંકોને જવાબદાર ઠેરવવી જોઈએ. જો તપાસમાં સાબિત થાય કે બેંકે બેદરકારી દાખવી છે, તો બેંકે પીડિતને વળતર ચૂકવવું પડશે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના અધ્યક્ષપદેની બેન્ચે જણાવ્યું કે આ વર્ષે સાયબર ગુનાઓમાં 50 ટકા ઘટાડો થયો હોવા છતાં પીડિતોએ રૂ. 800 કરોડ ગુમાવ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે (RBI) બેંકોના નિયમનકારી માળખામાં વળતર, આગોતરા પગલાં અને બેંકોની જવાબદારી માટે જોગવાઈઓ લાગુ કરવી જોઈએ.
વર્ષ 2026માં દેશમાં ડિજિટલ અરેસ્ટના 22 હજારથી વધુ કેસ નોંધાયા છે અને સાયબર ગુનેગારોએ લોકો પાસેથી રૂ. 800 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. 2025માં ડિજિટલ અરેસ્ટના 58,239 કેસ સામે આવ્યા હતા જ્યારે અંદાજે રૂ. 1,211 કરોડની છેતરપિંડી થઈ હતી.
ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાને સમાવતી બેન્ચે કહ્યું કે તેઓ પહેલાં સૂચિત RBI નો યોર કસ્ટમર (KYC) અમેન્ડમેન્ટ ડિરેક્શન્સ, 2026ની તપાસ કરશે અને ત્યાર પછી નિયમનકારી પ્રક્રિયાને મંજૂરી આપશે.
સુપ્રીમ કોર્ટના સૂચિત નિર્દેશો 30 નવેમ્બરે નોટિફાઈ કરાશે અને 31 ડિસેમ્બરથી અમલી બનશે. કોર્ટે કહ્યું કે માત્ર સાયબર ગુનાની ઘટના પછી રિપોર્ટ તૈયાર કરવો પર્યાપ્ત નથી. સાયબર ગુનેગારોને રોકવા માટે પહેલથી વ્યવસ્થા કરવી જરૂરી છે. ખાતામાં અસામાન્ય લેવડ-દેવડ થતા બેંક તેને વેરિફાઈ કરવા સુધી અસ્થાયી રૂપે રકમને ટ્રાન્સફર થતી રોકી શા માટે નથી શકતી? શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની તપાસ અને તેની માહિતી સ્થાનિક પોલીસને પણ આપવી જોઈએ. બેન્ચે સરકારને સાયબર ફ્રોડને અલગ ગુનો બનાવવા પર વિચાર કરવા ભલામણ કરી હતી.
સુપ્રીમ કોર્ટે RBIને સૂચિત KYC સંશોધન નિર્દેશ, 2026ની સમીક્ષા કરવા અને બધી જ સત્તાવાર નાણાકીય સંસ્થાઓની યાદી રજૂ કરવા જણાવ્યું હતું. એમિકસ ક્યુરી અને સિનિયર એડવોકેટ એનએસ નપ્પિનઈએ કહ્યું કે તાજેતરમાં જ એક મહિલાએ ડિજિટલ અરેસ્ટના નામે રૂ. 2.5 કરોડ ગુમાવ્યા હતા. ધરપકડના ડરથી લોકો માનસિક દબાણમાં આવી સાયબર ગુનેગારોના આદેશો માની લે છે અને નાણાં ગુમાવે છે.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે ગઈકાલે પણ કહ્યું હતું કે ડિજિટલ ફ્રોડ કરનારા ગુનેગારોને આકરી સજા થવી જોઈએ. આ બળજબરીથી વસૂલાત જેવા સામાન્ય કેસો કરતાં ઘણો ગંભીર ગુનો છે અને તેમાં વિશેષરૂપે વૃદ્ધોને વીડિયો કોલ કરી ટાર્ગેટ કરવામાં આવે છે.
દેશમાં સાયબર ફ્રોડ અંગેના કેસો અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું કે ડિજિટલ અરેસ્ટના વિરોધમાં સરકાર અને RBI દ્વારા વ્યાપક સ્તરે જાહેર અભિયાનો ચલાવવા જોઈએ.