સત્ય. સાહસ. સંકલ્પ.

મહિલાઓ રાત્રે 10 વાગ્યે પણ સુરક્ષિત રહેવી જોઈએ: સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ઠપકો

મહિલાઓ રાત્રે 10 વાગ્યે પણ સુરક્ષિત રહેવી જોઈએ: સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ઠપકો

દેશની રાજધાની નવી દિલ્હી અને સમગ્ર NCR વિસ્તારમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓ અંગે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ઠપકો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મહિલા સુરક્ષા માત્ર કાગળ પરની યોજનાઓ પૂરતી સીમિત ન હોવી જોઈએ, તેની અસર જમીન પર દેખાવી જોઈએ. ગુનેગારોના મનમાં કાયદાનો એવો ડર હોવો જોઈએ કે તેઓ ગુનો કરતા પહેલા વિચારે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં કોઈ મહિલા રાત્રે 10 વાગ્યે રસ્તા પર એકલી ચાલતી હોય, મેટ્રોમાં મુસાફરી કરતી હોય કે બસમાં સફર કરતી હોય, તો તેને સંપૂર્ણ સુરક્ષાનો અનુભવ થવો જોઈએ. માત્ર સીસીટીવી લગાવી દેવાથી ગુના નહીં રોકાય. જો સતત મોનિટરિંગ અને વોર રૂમ ન હોય, તો આ કેમેરા ફક્ત શોભા માટે છે.

દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાના કેસોને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે તંત્રને ઠપકો આપતાં કહ્યું કે ભારત જેવા વિશાળ દેશમાં માત્ર કાગળ પર ગાઇડલાઇન બનાવવાથી કામ નહીં ચાલે. કડક કાર્યવાહી કરતી વખતે પીછેહઠ કરવાની જરૂર નથી. જો ગુનેગારોને ડામવા કડક પગલાં ભરવા પડે તો ભરવા જ જોઈએ, ભલે કેટલાક લોકો અનુચ્છેદ 21 (વ્યક્તિગત સ્વતંત્રતા) નો હવાલો આપીને વાંધો ઉઠાવે; મહિલાઓની સલામતી સર્વોપરી છે.

બેન્ચે આકરા શબ્દોમાં જણાવ્યું કે બગીચાઓ, રસ્તાઓ, બસ સ્ટોપ, મેટ્રો સ્ટેશનો, સબ-વે અને ફૂટઓવર બ્રિજ અપૂરતી લાઇટો, નબળી સુરક્ષા કે ઢીલા પેટ્રોલિંગના કારણે મહિલાઓ માટે 'ડેન્જર ઝોન' ન બનવા જોઈએ. લેડી શ્રીરામ કોલેજની વિદ્યાર્થિનીઓએ આસ્થા કુંજ પાર્ક આસપાસ છેડતી અંગે વારંવાર ફરિયાદ કરી હોવા છતાં પોલીસે પૂરતું પેટ્રોલિંગ ગોઠવ્યું નહોતું, જેને અદાલતે તંત્રની ઘોર બેદરકારી ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના આસ્થા કુંજ પાર્કમાં 17 વર્ષીય સગીરા પર કથિત સામૂહિક દુષ્કર્મ, સ્વરૂપ નગરમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ બાદ તેની ઘાતકી હત્યા અને ગ્રેટર નોઈડાથી દિલ્હી સુધી દોડતી સ્લીપર બસમાં સગીરા સાથે કથિત જાતીય સતામણી જેવા બનાવો બાદ કોર્ટે આ સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે સેક્સ ઑફેન્ડર્સના નેશનલ ડેટાબેઝનો વાસ્તવિક ઉપયોગ, ઇન્વેસ્ટિગેશન ટ્રેકિંગ સિસ્ટમ, મિશન શક્તિ, ઇમરજન્સી હેલ્પલાઇન 112, વુમન હેલ્પલાઇન 181, સેફ સિટી પ્રોજેક્ટ, સ્માર્ટ લાઇટિંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ તેમજ વન સ્ટોપ સેન્ટર જમીન પર કેટલા કાર્યક્ષમ છે તેની સંપૂર્ણ વિગતો સોગંદનામા પર રજૂ કરવાનો આદેશ આપ્યો છે.