સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હી પોલીસને ખુલ્લી છૂટ આપવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ભાર

દિલ્હી પોલીસને ખુલ્લી છૂટ આપવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ભાર

નવી દિલ્હી: દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો સામે પોલીસને ખુલ્લી છૂટ (ફ્રી હેન્ડ) આપવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની આગેવાની હેઠળની બેન્ચે સોમવારે આ અરજી પર સુનાવણી કરી હતી.

અરજદાર એલ. રામનાથન વતી વકીલ મેથ્યુ નેદુમપરાએ દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 142 હેઠળ પ્રદર્શનો સામેની એફઆઈઆર રદ ન કરવી જોઈતી હતી. તેમણે કહ્યું કે શાંત બેઠેલા બહુસંખ્યક લોકોની ભાવનાઓનો આદર થવો જોઈએ અને પોલીસને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ.

જોકે, કોર્ટે આ દલીલો સ્વીકારી નહીં. ચીફ જસ્ટિસે જણાવ્યું કે, 'યુવા પ્રદર્શનકારો અને તેમના પરિવારોનું ભવિષ્ય ધ્યાનમાં રાખવું જોઈએ. તેમને લાંબી કાનૂની લડાઈમાં ફસાવવા યોગ્ય નથી.' તેમણે ઉમેર્યું કે, 'અદાલતો પાસેથી આવતા દરેક આદેશ સો ટકા સાચા હોય તેની ગેરંટી હોતી નથી, પરંતુ જ્યારે વાત યુવા વિદ્યાર્થીઓની હોય ત્યારે માનવતાવાદી અભિગમ અપનાવવો પડે છે.'

કોર્ટે ભૂતકાળના કેટલાક ઉદાહરણો ટાંકીને કહ્યું કે, 'ભૂતકાળમાં પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં લોકોએ જે રીતે પ્રતિક્રિયા આપી હતી તે ધ્યાનમાં રાખીને હાઈકોર્ટના આદેશો રદ કરવામાં આવ્યા છે, કારણ કે તેઓ કોઈ કુખ્યાત કે હાર્ડન ક્રિમિનલ (સાવ અપરાધીઓ) નહોતા.'

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકોને આ આદેશનો લાભ મળશે નહીં. આ મામલે મુખ્ય અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આગામી સમયમાં વધુ સુનાવણી કરશે.