નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક અગત્યના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ વ્યક્તિને પોલીસ કસ્ટડીમાં લીધાની ક્ષણથી જ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની 24 કલાકની સમયમર્યાદા શરૂ થઈ જાય છે. આનો અર્થ એ છે કે, ધરપકડ ઔપચારિક રીતે થઈ હોય કે નહીં, જો વ્યક્તિ પોલીસની હિરાસતમાં છે તો તેને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો ફરજિયાત બનશે.
ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભુયાન અને ન્યાયમૂર્તિ અતુલ એસ. ચંદુરકરની ખંડપીઠે આ ચુકાદો આપતી વખતે જણાવ્યું કે, 'કસ્ટડી' (હિરાસત) અને 'અરેસ્ટ' (ધરપકડ) વચ્ચે કૃત્રિમ ભેદ ઊભો કરવો બંધારણીય રીતે અસ્વીકાર્ય છે. કોર્ટે કહ્યું કે, બંધારણની કલમ 22(2) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 56 હેઠળ 24 કલાકની મર્યાદા ફક્ત ઔપચારિક ધરપકડ પછી જ શરૂ થાય છે તેવી દલીલ ખોટી છે. ધરપકડ પહેલાં પૂછપરછમાં વિતાવેલો સમય પણ આ 24 કલાકમાંથી બાદ કરી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે ઓડિશા, કેરળ અને મદ્રાસ હાઈકોર્ટના એ ચુકાદાઓને રદ કર્યા છે જેમાં ઔપચારિક ધરપકડ પહેલાંની કસ્ટડીને 24 કલાકની મર્યાદામાંથી બાકાત રાખવાનું કહેવાયું હતું. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, આવા ચુકાદાઓ બંધારણીય જોગવાઈઓને યોગ્ય રીતે રજૂ કરતા નથી. મૂળભૂત અધિકારોને થોડા સમય માટે પણ સ્થગિત કરી શકાય નહીં.
આ ચુકાદાનો અર્થ એ થયો કે, પોલીસ હવે કોઈને પણ કસ્ટડીમાં લેતાં જ 24 કલાકની ઘડિયાળ શરૂ થઈ જશે અને તેને સમયસર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડશે. આ ચુકાદો નાગરિકોના અધિકારોની રક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.