સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સંજય કિશન કૌલની આત્મકથા 'વિધાઉટ ફિયર ઓફ ફેવર'માં જજોની નિમણૂક પ્રક્રિયા અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. પુસ્તકમાં જસ્ટિસ કૌલે આરોપ લગાવ્યો છે કે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડ જજોની નિમણૂકમાં સરકાર તરફ નરમ વલણ અપનાવતા હતા અને સરકાર સાથે અનૌપચારિક રીતે સંમતિ સાધવાનો પ્રયાસ કરતા હતા. તેમણે કોલેજિયમની બેઠકમાં સરકારના ઈશારે છઠ્ઠું નામ ઉમેરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો છે.
જસ્ટિસ કૌલના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2023માં તેમણે નોંધ્યું છે કે સરકાર સાથે તાલમેલ બેસાડવાની પદ્ધતિ અંગે તેમની અને તત્કાલીન CJI ચંદ્રચૂડ વચ્ચે મતભેદો હતા. કોલેજિયમની ચર્ચા પહેલા સરકારને સામેથી મોકો આપવો એ ખતરનાક સંદેશ આપે છે, કારણ કે જ્યારે ન્યાયતંત્ર નબળું પડે છે ત્યારે રાજકીય પક્ષો અને સરકાર પોતાની મનમાની ચલાવવાનો પ્રયાસ કરે છે.
પુસ્તકમાં એક ઘટનાનો ઉલ્લેખ છે જ્યારે જજોની છ ખાલી જગ્યાઓ ભરવાની હતી અને પાંચ નામો પર સહમતિ સધાઈ ચૂકી હતી. બેઠકમાં જતા સમયે અચાનક CJI ચંદ્રચૂડે છઠ્ઠું નામ આગળ ધર્યું, જેનો અન્ય જજોએ વિરોધ કર્યો હતો. જસ્ટિસ કૌલને શંકા ગઈ કે આ નામ સીધું સરકારના ઈશારે આવ્યું છે. તેમણે સમયસૂચકતા વાપરીને CJIને સરકારને ફોન કરતા અટકાવ્યા હોવાનું પુસ્તકમાં જણાવ્યું છે.
આ ઉપરાંત, એક લઘુમતી સમુદાયના જજ ઉમેદવારની નિમણૂક વખતે સરકારે તેમની જાતિ અને ધાર્મિક પ્રતિનિધિત્વ પર વાંધાજનક સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે CJI ચંદ્રચૂડે સરકારની આ રજૂઆત કૌલ સમક્ષ મૂકી ત્યારે જસ્ટિસ કૌલ ગુસ્સે થઈને ફાઈલ બંધ કરીને કોલેજિયમની બેઠકમાંથી વૉકઆઉટ કરી ગયા હતા. જો કે, બાદમાં સરકારે ઝૂકવું પડ્યું હતું અને યોગ્ય જજની નિમણૂક કરવામાં આવી હતી.
જસ્ટિસ કૌલે તેમની 22 વર્ષની ન્યાયિક કારકિર્દીના આધારે કોલેજિયમ પ્રણાલીને અત્યંત અપારદર્શક, ખામીયુક્ત અને સરકારી દબાણની ગુપ્ત ગેલેરી ગણાવી છે. તેમણે એવો પણ ખુલાસો કર્યો છે કે તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં મહત્ત્વના કેસો તેમની બેંચ પાસેથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા અને વરિષ્ઠ વકીલોના નામાંકનને ટાળવામાં આવ્યું હતું.
આ ગંભીર આરોપો પર પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમણે હજુ આ પુસ્તક વાંચ્યું નથી, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન કોલેજિયમની બેઠકો સૌહાર્દપૂર્ણ રહી છે અને તેમને જસ્ટિસ કૌલના વૉકઆઉટ જેવી કોઈ ઘટના યાદ નથી. તેમણે એવો પણ બચાવ કર્યો છે કે રાષ્ટ્રપતિ જ નિયુક્તિના વોરંટ બહાર પાડતા હોવાથી સરકાર સાથે સંવાદ કરવો એ સામાન્ય પ્રક્રિયા છે. જો કે, જસ્ટિસ કૌલના આ ખુલાસાઓએ ન્યાયતંત્ર અને રાજકીય હસ્તક્ષેપ અંગે ચર્ચા શરૂ કરી છે.