નવી દિલ્હી: કનોટ પ્લેસ નજીક 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા કરવામાં આવનારા વિરોધ પ્રદર્શન અંગે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક કોઈ નિર્દેશ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે આશા વ્યક્ત કરી હતી કે તમામ પક્ષો સમજદારીથી કામ લેશે.
કોર્ટે નાના દુકાનદારો અને ફેરિયાઓની આજીવિકાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તહેવારો કે ખાસ દિવસોની કમાણીથી જ તેમના પરિવાર ચાલતા હોય છે. દિલ્હી હાઈકોર્ટ પણ આ મામલે સુનાવણી કરી રહી હોવાથી સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે જો આ પ્રદર્શન કે સરકારી નિર્ણયોથી વેપાર-ધંધાને નુકસાન થશે, તો કોર્ટ પોતાના બંધારણીય અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને વળતર અંગે વિચાર કરી શકે છે.
સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) દ્વારા મોડી રાત્રે સેન્ટ્રલ પાર્કને બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશના કારણે ત્યાં વેપાર-ધંધા બંધ રહેશે, જેથી લારી-ગલ્લા વાળા અને નાના વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.
NDMCના આદેશ અંગે ટિપ્પણી કરતા જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું કે, જો કોઈ પગલું બિનજરૂરી કે અયોગ્ય જણાશે, તો અદાલત પાસે સાર્વજનિક કાયદા અને વળતર સંબંધિત જોગવાઈઓ હેઠળ આદેશ આપવાનો સંપૂર્ણ અધિકાર છે. જો NDMCના આદેશથી નાના વેપારીઓના આજીવિકા કે રોજીરોટીને નુકસાન પહોંચશે, તો કોર્ટ આ મામલાને ગંભીરતાથી લેશે.
ચીફ જસ્ટિસે સ્પષ્ટ કર્યું હતું કે સેન્ટ્રલ પાર્ક ફરી ખૂલ્યા બાદ વેપાર કે આજીવિકાના નુકસાનનો મુદ્દો ઉઠાવી શકાશે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 26 અથવા 27 ઓક્ટોબરના રોજ નક્કી કરી છે અને ત્યાં સુધી નુકસાન અંગેની વિગતો રજૂ કરવા જણાવ્યું છે. આમ, કોર્ટે પ્રદર્શન પર સીધો રોક લગાવવાને બદલે નાના વેપારીઓના હિત અને વળતરના વિકલ્પ પર ભાર મૂક્યો છે.