સત્ય. સાહસ. સંકલ્પ.

બાળકો પર ઇન્ટરનેટ પ્રતિબંધ નહીં: સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ઓનલાઇન સુરક્ષા માટે કડક નિયમો

બાળકો પર ઇન્ટરનેટ પ્રતિબંધ નહીં: સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ઓનલાઇન સુરક્ષા માટે કડક નિયમો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાળકોને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે દૂર રાખવું તેમની ઓનલાઇન સુરક્ષાનો યોગ્ય માર્ગ નથી. બાળકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અધિકાર છે, તેથી તેમની સુરક્ષા માટે એવા પગલાં લેવા જોઈએ જેથી તેઓ ઓનલાઇન જોખમોથી બચી શકે અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકે. કોર્ટે બાળકોના યૌન શોષણ સંબંધિત કન્ટેન્ટને ઓળખવા અને દૂર કરવા માટે કડક વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂક્યો છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. ચંદ્રનની બેન્ચે કેન્દ્ર સરકારને બાળકોના યૌન શોષણ સંબંધિત કન્ટેન્ટનો રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને આવા કન્ટેન્ટની જાણકારી પોલીસ અથવા સાયબર ક્રાઇમ પોર્ટલને આપવા અને ફરિયાદો પર સમયમર્યાદામાં કાર્યવાહી કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે 10 ડિસેમ્બર 2026 સુધીમાં આગામી સુનાવણી દરમિયાન આ નિર્દેશો પર થયેલી કાર્યવાહી અંગેની માહિતી આપવાની રહેશે.

કોર્ટે કહ્યું કે હાલમાં કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટ હટાવ્યા બાદ બીજા પ્લેટફોર્મ પર તેની ઓળખ આપમેળે થઈ શકતી નથી. તેના કારણે એ જ સામગ્રી ઇન્ટરનેટ પર ફરીથી ફેલાતી રહે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારને એવો ડેટાબેઝ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં કન્ફર્મ કન્ટેન્ટની ડિજિટલ ઓળખ અને તેની ઇન્ટરનેટ લિંક્સ નોંધવામાં આવે. તેમાં અસલી ફોટા કે વીડિયો રાખવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે ડેટાબેઝમાં નોંધાયેલી દરેક સામગ્રીની અનેક સ્તરે તપાસ થવી જોઈએ. ઓછામાં ઓછા ત્રણ પ્રશિક્ષિત નિષ્ણાતો સ્વતંત્ર રીતે નક્કી કરશે કે સામગ્રી બાળકોના યૌન શોષણ સાથે સંબંધિત છે કે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે ખોટી ઓળખને કારણે કાયદેસર કન્ટેન્ટ દૂર ન થાય તે માટે રેકોર્ડ, ઓડિટ અને ફરિયાદ નિવારણની વ્યવસ્થા હોવી જોઈએ.

કોર્ટ મુજબ, સોશિયલ મીડિયા કંપનીઓએ આવા કન્ટેન્ટને દૂર કરવાની સાથે ભારતીય કાયદા હેઠળ પોલીસ અથવા સાયબર ક્રાઇમ પોર્ટલને પણ માહિતી આપવી પડશે. કંપની પોતાની તપાસમાં અજ્ઞાત સ્ત્રોતના આવા કન્ટેન્ટને દૂર કરે છે, તો તેની બે કલાકની અંદર જાણ કરવી પડશે. ફરિયાદ બાદ કન્ટેન્ટ દૂર કરવામાં આવે તો પણ ફરિયાદનું નિરાકરણ થયા બાદ બે કલાકની અંદર માહિતી આપવી પડશે.

કોર્ટે કહ્યું કે તકનીકી ઉપાયો સાથે બાળકોને ઓનલાઇન જોખમોની ઓળખ કરવી અને તેની ફરિયાદ કરવી પણ શીખવવું જરૂરી છે. બાળકોની ઉંમર અનુસાર સંમતિ, સુરક્ષિત-અસુરક્ષિત સ્પર્શ, ખાનગી માહિતીની સુરક્ષા અને ઓનલાઇન શોષણ જેવા વિષયોને અભ્યાસક્રમમાં સામેલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે NCERT અને રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને નિષ્ણાતોની મદદથી અભ્યાસ સામગ્રી તૈયાર કરવાની વાત કહેવામાં આવી છે.

કોર્ટે કેન્દ્ર સરકારને નિયમોનું ઉલ્લંઘન કરતી સોશિયલ મીડિયા કંપનીઓ પર આર્થિક દંડ લાદવાની વ્યવસ્થા અંગે વિચારણા કરવા પણ કહ્યું છે. સરકારે 10 ડિસેમ્બર 2026 સુધીની આગામી સુનાવણીમાં આ નિર્દેશોના અમલીકરણની પ્રગતિ વિશે જણાવવું પડશે.