કેન્સરની દવાઓની કિંમત અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે પૂછ્યું છે કે જે દવાની છાપેલી કિંમત (MRP) રૂ.27,000 છે, તે જ દવા વિક્રેતાને રૂ.3,000માં કેમ મળે છે? અને આવી જીવનરક્ષક દવાઓને ભાવ નિયંત્રણના દાયરામાંથી બહાર શા માટે રાખવામાં આવી છે?
સુનાવણી દરમિયાન જસ્ટિસ સંદીપ મહેતાએ આ ઉદાહરણ આપીને સરકારને દવાના ભાવ નક્કી કરવાની વ્યવસ્થામાં રહેલી ગંભીર વિસંગતતા તરફ ધ્યાન દોર્યું હતું.
અદાલતે એવી પણ ટકોર કરી હતી કે ખાનગી કોર્પોરેટ હોસ્પિટલો દર્દીઓને પોતાની અંદરની ફાર્મસીમાંથી જ દવા ખરીદવા માટે દબાણ કરે છે. જ્યારે સરકારી યોજના હેઠળ દર્દીને સારવાર મળે છે ત્યારે આ મોંઘી દવાઓનું બિલ આખરે કોણ ચૂકવે છે? — એવો સવાલ કરીને કોર્ટે પોતે જ જવાબ આપ્યો કે આ નાણાં દેશના સામાન્ય કરદાતાના ખિસ્સામાંથી જાય છે.
કોર્ટે ડ્રગ્સ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર (DPCO) હેઠળ દવાઓને જરૂરી અને બિન-જરૂરી એવા ભાગોમાં વહેંચવા અંગે પણ વેધક પ્રશ્ન કર્યો હતો. કાયદા મુજબ દરેક દવા અને મેડિકલ સાધન આવશ્યક ચીજવસ્તુઓના દાયરામાં આવે છે, તો પછી તેમને ભાવ નિયંત્રણથી અલગ કેમ રાખી શકાય? બેન્ચે પૂછ્યું કે સમગ્ર વ્યવસ્થામાં 16%નો એક સમાન માપદંડ કેમ નક્કી ન કરી શકાય અને તેનાથી વધુ નફો લેવાની છૂટ કેમ હોવી જોઈએ?
કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્વીકાર્યું કે આ ગંભીર સમસ્યાનો યોગ્ય ઉકેલ શોધવો પડશે. તેમણે કહ્યું કે અરજદારની ચિંતા ખોટી નથી, પરંતુ તમામ પક્ષોના હિતોનું સંતુલન જળવાય તેવો માર્ગ કાઢવો પડશે. તેમના મતે આ વ્યવસ્થાથી માત્ર ફાર્મા કંપનીઓ જ નફો કમાઈ રહી છે તેવું નથી. આ કેસની આગામી સુનાવણી 12 ઓક્ટોબરે નક્કી થઈ છે.
આ જ સંદર્ભમાં કેરળ હાઈકોર્ટે પણ એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસ કેન્સર પીડિત એક મહિલા દર્દીની અરજી પર આધારિત હતો, જેમણે અતિશય મોંઘી દવાઓ સામે ન્યાય માંગ્યો હતો. દુઃખની વાત એ છે કે અંતિમ સુનાવણી પૂરી થાય તે પહેલાં જ સારવારના અભાવે તેમનું અવસાન થઈ ગયું હતું.
કેરળ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતીય પેટન્ટ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર પાસે એવી સત્તા છે કે તે જીવનરક્ષક દવાઓ પોતે તૈયાર કરાવી શકે. અદાલતે ટાંક્યું કે સરકાર આવી દવાઓનું ઉત્પાદન કરાવીને કોઈપણ નફા વગર સામાન્ય લોકોને સીધી વેચી શકે છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના ગંભીર દર્દીઓ માટે સારવારનો ખર્ચ પરવડી શકે તેવો બને.