સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્સરની દવા ₹2,700માં ખરીદીને ₹27,000માં વેચાય છે: સુપ્રીમ કોર્ટે કહ્યું 'આ ધોળા દિવસે લૂંટ છે'

કેન્સરની દવા ₹2,700માં ખરીદીને ₹27,000માં વેચાય છે: સુપ્રીમ કોર્ટે કહ્યું 'આ ધોળા દિવસે લૂંટ છે'

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્સરની દવાઓ પર દસ ગણી વધુ કિંમત વસૂલવાને 'ધોળા દિવસે લૂંટ' ગણાવી છે. કેન્સરની દવાઓની મહત્તમ છૂટક કિંમત (MRP) સંબંધિત એક અરજી પર સુનાવણી કરતાં કોર્ટે આ ટિપ્પણી કરી.

કોર્ટે કહ્યું કે કેન્સરની જરૂરી દવાઓ ₹27,000માં વેચાઈ રહી છે, જ્યારે ઉત્પાદક કંપની તે રીટેલરને ફક્ત ₹2,700માં આપે છે. આમ દર્દી પાસેથી દસ ગણી વધુ કિંમત વસૂલવામાં આવે છે.

જસ્ટિસ સંદીપ મહેતાએ સુનાવણી દરમિયાન કહ્યું કે નવાઈની વાત એ છે કે જે અધિકારીઓએ આ મુદ્દે નિર્ણય લેવો જોઈએ, તે સંપૂર્ણપણે મૌન છે. તેમણે ઉમેર્યું કે અમારે તેનું કારણ આપવાની જરૂર નથી.

કોર્ટે આ મામલે વધુમાં જણાવ્યું કે જ્યારે દર્દીઓ આયુષ (AYUSH) યોજના હેઠળ સારવાર કરાવે છે, ત્યારે તેનો આખો ખર્ચ કરદાતાઓએ ઉઠાવવો પડે છે. ખાનગી હોસ્પિટલો આ ઊંચા ભાવે દવાઓ ખરીદે છે અને પછી સરકાર પાસેથી તેની રકમ પાછી મેળવે છે. આખરે તે કરદાતાઓના જ પૈસા હોય છે. કોર્ટે આને સ્પષ્ટપણે છેતરપિંડીનો મામલો ગણાવ્યો.

સુપ્રીમ કોર્ટે ભાર મૂક્યો કે દવા ઉત્પાદકો અને સપ્લાય ચેઈનને અયોગ્ય નફો કમાવવાની છૂટ આપવામાં આવે છે, જ્યારે નિયમનકારી સંસ્થાઓ બીજી તરફ જોતી રહે છે. તેના કારણે ગંભીર બીમારી સામે લડી રહેલા પરિવારો ભારે નાણાકીય સંકટમાં ફસાઈ જાય છે.

કોર્ટના જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પિટલો અને વિતરકો ઓછી જથ્થાબંધ કિંમતે દવાઓ ખરીદે છે અને વધારેલી MRP પર રી-ઈમ્બર્સમેન્ટનો દાવો કરે છે. આમ તેઓ કરદાતાઓના પૈસાથી ચાલતી આરોગ્ય સેવાઓમાંથી મોટી સબસીડી મેળવે છે.

અદાલતે સંકેત આપ્યો કે જીવનરક્ષક દવાઓ પર નફાના માર્જિનને મર્યાદિત કરવા અને ખાનગી તથા સરકારી સહાયતા પ્રાપ્ત તબીબી સારવાર બંનેમાં વ્યાપક નાણાકીય છેતરપિંડી રોકવા માટે તાત્કાલિક નિયમનકારી હસ્તક્ષેપની જરૂર છે.