સત્ય. સાહસ. સંકલ્પ.

લગ્નની ના પાડવાથી બ્રેકઅપ થાય અને યુવતી આપઘાત કરે તો યુવક પર ઉશ્કેરણીનો કેસ નહીં: સુપ્રીમ કોર્ટ

લગ્નની ના પાડવાથી બ્રેકઅપ થાય અને યુવતી આપઘાત કરે તો યુવક પર ઉશ્કેરણીનો કેસ નહીં: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક અગત્યના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે લગ્ન કરવાનો ઇનકાર કરવો અને બ્રેકઅપ થવું, એ આપોઆપ આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણી શકાય નહીં. બ્રેકઅપ પછી યુવતી આપઘાત કરી લે તો પ્રેમી યુવક સામે ઉશ્કેરણીનો કેસ ચાલી શકે નહીં, તેમ કોર્ટે જણાવ્યું.

આ મામલો તેલંગાણાનો છે. એક યુવતીએ તેના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દેતાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે યુવક અને તેના પરિવારના પાંચ અન્ય સભ્યો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધ્યો હતો. તેલંગાણા હાઈકોર્ટે સાક્ષીઓ અને પુરાવાઓને આધારે પરિવારને દોષિત ઠેરવ્યું હતું. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જ્યાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે ચુકાદો આપ્યો.

કોર્ટે નોંધ્યું કે તમામ પુરાવા અને સાક્ષીઓ દર્શાવે છે કે બ્રેકઅપ પછી યુવતીએ આત્મહત્યા કરી હતી, પરંતુ એથી એ સાબિત થતું નથી કે યુવકે તેને આ પગલું ભરવા માટે ઉશ્કેરી હતી. લગ્ન માટે ના પાડવી અને બ્રેકઅપ કરવું એ એક બાબત છે, જ્યારે આપઘાત માટે ઉશ્કેરવું એ તદ્દન અલગ બાબત છે. બેન્ચે કહ્યું કે યુવકે બ્રેકઅપ પછી યુવતીને આત્મહત્યા કરવા પ્રેરિત કરી હોવાનો કોઈ પુરાવો રજૂ થયો નથી. આ અવલોકન સાથે કોર્ટે યુવક અને તેના પરિવાર વિરુદ્ધનો કેસ રદ કર્યો.

સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે આત્મહત્યા પહેલાં યુવતી તેના પ્રેમી સાથે લગભગ ત્રણ મહિના સુધી સંબંધમાં હતી. બાદમાં યુવકની માતાએ લગ્ન સ્વીકારવાની ના પાડી દેતાં યુવતીએ આપઘાત કરી લીધો હતો. કોર્ટે કહ્યું કે બ્રેકઅપ સમયે યુવકને અંદાજ નહોતો કે યુવતી આવું પગલું ભરી લેશે.

NCRBના આંકડા મુજબ, 2024માં ભારતમાં કુલ 1,70,746 આત્મહત્યાઓ નોંધાઈ હતી, જેમાંથી 7,850 આત્મહત્યાઓ પ્રેમ સંબંધો સાથે જોડાયેલી હતી. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે પ્રેમ સંબંધોમાં બ્રેકઅપ બાદ આપઘાતની ઘટનાઓમાં ઉશ્કેરણીના કેસો ચર્ચામાં છે.