સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રેકઅપ પછી યૌન સંબંધોને દુષ્કર્મ ન ગણી શકાય: સુપ્રીમ કોર્ટ

બ્રેકઅપ પછી યૌન સંબંધોને દુષ્કર્મ ન ગણી શકાય: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પુખ્ત વયના લોકો વચ્ચે પરસ્પર સંમતિથી બનેલા યૌન સંબંધો અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, સંબંધ તૂટ્યા પછી તે સંબંધ દરમિયાન થયેલા યૌન સંબંધોને દુષ્કર્મ ગણી શકાય નહીં. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે લગ્નનું જૂઠું વચન આપીને દુષ્કર્મ કરવાના આરોપ સાથે સંબંધિત કેસમાં આરોપીને નિર્દોષ છોડતી વખતે આ ટિપ્પણી કરી છે.

બેન્ચે જણાવ્યું કે, કાયદો બનાવનારાઓનો ક્યારેય એવો ઈરાદો નહોતો કે પરસ્પર પ્રેમ અને સંમતિથી બનેલા સંબંધમાં પુખ્ત વયના લોકો વચ્ચેના યૌન સંબંધોને માત્ર સંબંધ તૂટ્યા પછી અપરાધ બનાવી દેવામાં આવે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે તાજેતરના વર્ષોમાં એવા કેસો વધ્યા છે જેમાં સંબંધ પૂરો થયા પછી જૂના સંબંધોને યૌન હિંસા અથવા યૌન ઉત્પીડન તરીકે રજૂ કરવામાં આવે છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે, શરૂઆતથી જ છેતરપિંડી અને જૂઠાણાના આધારે સંમતિ મેળવવાની બાબત અલગ છે. પરંતુ સંબંધ પૂરો થયા પછી પહેલાં બનેલા યૌન સંબંધોને લઈને પસ્તાવો થવો એ અલગ બાબત છે. બેન્ચે કહ્યું કે, સંબંધ પાછળથી ખતમ થઈ જવાના કારણે પહેલાં સંમતિથી બનેલા સંબંધોને અપરાધ ન ગણી શકાય. આમ કરવાથી વ્યક્તિની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠા પર અસર પડે છે.

અદાલતે પ્રશ્ન કર્યો કે, શું પુરુષોને બ્રેકઅપનો અધિકાર નથી? શું બ્રેકઅપના નિર્ણયને છેતરપિંડી અથવા ધોકાધડી કહી શકાય? કોર્ટે કહ્યું કે, આવું દૃષ્ટિકોણ પુરુષોને પોતાના નિર્ણયો લેવાના અધિકારથી વંચિત કરે છે. જો વ્યક્તિને ડર હોય કે સંબંધ ખતમ કર્યા પછી તેના પર દુષ્કર્મનો આરોપ લાગી શકે છે, તો તે માત્ર ડરના કારણે સંબંધમાં બંધાયેલો રહી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી પરસ્પર સંમતિથી બનેલો સંબંધ ચાલુ છે, ત્યાં સુધીના યૌન સંબંધોને પાછળથી દુષ્કર્મ ન કહી શકાય. બેન્ચે નોંધ્યું કે, અમે વારંવાર એવા કેસો જોયા છે જેમાં નિષ્ફળ સંબંધોને અપરાધિક કેસમાં બદલી દેવામાં આવે છે. દુષ્કર્મ ગંભીર અપરાધ છે અને તેનો ઉપયોગ વાસ્તવિક યૌન હિંસા, બળજબરી અથવા સંમતિ સાથેના છલ-કપટ સાથે જોડાયેલા મામલાઓમાં જ થવો જોઈએ. દરેક તૂટેલા સંમતિ-આધારિત સંબંધને દુષ્કર્મના આરોપમાં બદલવાથી આ ગંભીર અપરાધની પ્રકૃતિ અને મહત્ત્વ નબળું પડે છે.

જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે દુષ્કર્મ મહિલાઓની શારીરિક સ્વાયત્તતા અને ગરિમા પર ગંભીર હુમલો છે. અદાલતે સ્વીકાર્યું કે દુષ્કર્મના કેસો આજે પણ મોટી સંખ્યામાં નોંધાતા નથી. ઘણી પીડિતાઓ પોતાની અને પરિવારની પ્રતિષ્ઠાના કારણે ચૂપ રહેવાનું પસંદ કરે છે. તેથી, જ્યાં તથ્યોથી યૌન હિંસા અને હુમલાનો સ્પષ્ટ સંકેત મળે છે, ત્યાં વાસ્તવિક મામલાઓની ગંભીરતાથી તપાસ અને કેસ ચલાવવો જોઈએ.