સત્ય. સાહસ. સંકલ્પ.

48 કલાક કસ્ટડીમાં રહે તો સરકારી કર્મચારી આપોઆપ સસ્પેન્ડ: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

48 કલાક કસ્ટડીમાં રહે તો સરકારી કર્મચારી આપોઆપ સસ્પેન્ડ: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સરકારી કર્મચારીની ધરપકડ થાય અને તે 48 કલાકથી વધુ સમય ન્યાયિક કસ્ટડીમાં રહે, તો તે આપોઆપ સસ્પેન્ડ ગણાશે. આ માટે અલગથી કોઈ સસ્પેન્શન ઓર્ડરની જરૂર રહેશે નહીં.

આ ચુકાદો બિહારના સમસ્તીપુર સ્થિત સદર હોસ્પિટલના પ્રશાસક વિશ્વજીત સિંહ સાથે જોડાયેલા લાંચના કેસની સુનાવણી દરમિયાન આવ્યો છે. તેમના પર એક કરાર આધારિત કર્મચારીનો પેન્ડિંગ પગાર ચૂકવવાના બદલામાં 4,000 રૂપિયાની લાંચ માગવાનો આરોપ હતો. નીચલી અદાલતે જામીન મંજૂર કર્યા બાદ પટના હાઈકોર્ટે તે રદ કર્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના હુકમને રદબાતલ ઠેરવીને જામીન ફરીથી બહાલ કર્યા છે.

ખંડપીઠે સરકારી તંત્રમાં ચાલતી અનિયમિતતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઘણી વખત ઉચ્ચ સ્તરના અધિકારીઓ પોતાના માનીતા કે મળતિયા કર્મચારીઓને બચાવવા માટે સસ્પેન્શનના આદેશોમાં જાણીજોઈને વિલંબ કરતા હોય છે. હવે કસ્ટડીના નિર્ધારિત કલાકો પૂરા થતાં જ નિયમ સ્વયં અમલમાં આવશે, જેથી આવી છટકબારીઓ બંધ થશે.

આ ઉપરાંત, અદાલતે એ વાત પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે લગભગ 15 દિવસ જેલમાં રહ્યા બાદ તે અધિકારીની મોકૂફી રદ કરવામાં આવી હતી અને તેમને તે જ હોસ્પિટલમાં એ જ પદ પર ફરી તહેનાત કરવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારના કેસમાં આરોપીને ફરીથી એ જ મહત્વની ખુરશી પર બેસાડવાથી તપાસ પ્રભાવિત થઈ શકે છે, સાક્ષીઓને ડરાવી શકાય છે અને પુરાવાઓ સાથે છેડછાડ થઈ શકે છે. આથી અદાલતે રાજ્ય સરકારને આ વહીવટી ક્ષતિ તાત્કાલિક સુધારવા સખત તાકીદ કરી છે.