સત્ય. સાહસ. સંકલ્પ.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય: લાંચ માંગનાર અધિકારી સામે કેસ માટે ઉપરીની મંજૂરી જરૂરી નહીં

સુપ્રીમ કોર્ટનો નિર્ણય: લાંચ માંગનાર અધિકારી સામે કેસ માટે ઉપરીની મંજૂરી જરૂરી નહીં

સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા (Prevention of Corruption Act) સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે લાંચ માંગતા જાહેર સેવક સામે કાર્યવાહી કરવા માટે ઉપરી અધિકારીઓની પૂર્વ મંજૂરી જરૂરી નથી. જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની પીઠે આ ચુકાદો આપ્યો હતો.

કોર્ટે નોંધ્યું કે કાયદાની કલમ 17A હેઠળનું સંરક્ષણ માત્ર પ્રામાણિકતાથી ફરજ નિભાવતી વખતે લેવાયેલા નિર્ણયો માટે છે, જેથી અધિકારીઓને હેરાનગતિનો ભોગ ન બનવો પડે. પરંતુ લાંચ માંગવી એ ગુનાહિત કૃત્ય છે અને તેને સરકારી ફરજ ગણી શકાય નહીં.

આ કેસ રાજસ્થાન પોલીસના એક કોન્સ્ટેબલ સાથે જોડાયેલો છે, જેના પર રૂ. 1.5 લાખની લાંચ માંગવાનો આરોપ છે. કોન્સ્ટેબલે તેની સામે નોંધાયેલી FIR અને ચાર્જશીટ રદ કરવા અપીલ કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી. રાજસ્થાનના એડિશનલ એડવોકેટ જનરલ સંસ્કૃતિ પાઠકની દલીલો સ્વીકારીને પીઠે આ અપીલ ફગાવી હતી.

ઉલ્લેખનીય છે કે કલમ 17A વર્ષ 2018માં કાયદામાં ઉમેરવામાં આવી હતી, જે મુજબ કોઈપણ સરકારી કર્મચારી સામે સત્તાવાર મંજૂરી વગર પૂછપરછ કે તપાસ કરી શકાતી નહોતી. આ ચુકાદાથી લાંચખોર અધિકારીઓ સામેની કાર્યવાહીમાં અવરોધ દૂર થશે.