સત્ય. સાહસ. સંકલ્પ.

ધરપકડના 24 કલાક અટકાયતથી ગણાશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

ધરપકડના 24 કલાક અટકાયતથી ગણાશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક અગત્યના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈ વ્યક્તિની ધરપકડ બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાની 24 કલાકની બંધારણીય મર્યાદા પોલીસ સત્તાવાર રીતે ધરપકડ જાહેર કરે ત્યારથી નહીં, પરંતુ તેની અટકાયત સાથે જ શરૂ થાય છે. બંધારણની કલમ 22(2)ના હેતુઓ માટે 'ધરપકડ' અને 'અટકાયત' વચ્ચે કૃત્રિમ તફાવત ઊભો કરવા બદલ સુપ્રીમ કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી હતી.

ન્યાયાધીશો ઉજ્જવલ ભુઈયાં અને અતુલ એસ. ચંદુરકરની બેન્ચે જણાવ્યું કે, કોઈ આરોપીને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સામે હાજર કરવાની બંધારણીય જોગવાઈનો સમય તેની સ્વતંત્રતા છીનવાય ત્યારથી જ શરૂ થાય છે. આરોપીએ કોઈ ગુનો કર્યો છે તેમ માનીને પોલીસ કે અધિકારી તેની ધરપકડ કે અટકાયત કરે ત્યારથી જ 24 કલાકની સમય મર્યાદા શરૂ થઈ જાય છે. જો આ સમય મર્યાદામાં આરોપીને મેજિસ્ટ્રેટ સામે રજૂ ન કરવામાં આવે તો તેને તાત્કાલિક છોડી મૂકવો પડશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કલમ 22(2) હેઠળ નિર્ધારિત 24 કલાકની મુદત તેની ઔપચારિક ધરપકડ નોંધાયાના સમયથી નહીં, પરંતુ એ સમયથી શરૂ થશે જ્યારથી વ્યક્તિની સ્વતંત્રતા હકીકતમાં છીનવી લેવાય છે અને તેની અટકાયત કરાય છે. પોલીસ તપાસ, જપ્તી અથવા પૂછપરછના નામે ઔપચારિક ધરપકડમાં વિલંબ કરીને આ સમય મર્યાદાને આગળ વધારી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મેજિસ્ટ્રેટે આરોપી હાજર થતા અટકાયતની વાસ્તવિક તારીખ અને સમય નોંધવો પડશે તથા 24 કલાકની સમય મર્યાદાનું પાલન ન થાય તો તપાસ કરવાની રહેશે. ગેરબંધારણીય રીતે લાંબી અટકાયત પર મેજિસ્ટ્રેટ આરોપીને રિમાન્ડ આપવાનો ઈનકાર કરી શકે છે. અટકાયતમાં હિંસાની ઘટનાઓને જોતા આવી ન્યાયિક અટકાયત અત્યંત જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કલમ 22(2) એ બાબતની મંજૂરી નથી આપતી કે ધરપકડ કરનાર અધિકારી કોઈ વ્યક્તિની ધરપકડ કરતા પહેલા પૂછપરછ અથવા તપાસમાં જેટલો સમય લગાવે તેનાથી તેને કોઈ ફરક ના પડે અને તે સમયને બંધારણની 24 કલાકની મર્યાદાની ગણતરીમાંથી બહાર રાખવામાં આવે. બંધારણમાં માત્ર એક અપવાદ છે અને તે છે ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટની કોર્ટ સુધી પહોંચવામાં લાગતા પ્રવાસનો સમય, જેને 24 કલાકની મર્યાદામાંથી બહાર રાખવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, થોડા સમય માટે કોઈ વ્યક્તિને અટકાયતમાં રાખવી તેને ધરપકડ માની શકાય નહીં. મૌલિક અધિકારોને કેટલાક સમય માટે રદ કરી શકાય નહીં. બંધારણની કલમ 22(2)માં 'ધરપકડ અને અટકાયતમાં રાખવામાં આવેલા' શબ્દોનો ઉપયોગ એક સાથે કરાયો છે. તેથી આ બંનેને અલગ અલગ અર્થોમાં જોઈ શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે ઉમેર્યું કે, અટકાયત અને ધરપકડ વચ્ચે કૃત્રિમ અંતર સ્વીકારી લેવામાં આવે તો એ નક્કી કરવું મુશ્કેલ થઈ જશે કે તપાસ માટે કેટલી સમય મર્યાદાને ઓછો સમય માનવામાં આવે અને ક્યારે અટકાયતને ધરપકડ માનવામાં આવે. આવી વ્યાખ્યા બંધારણીય સુરક્ષાને નબળી કરશે. મેજિસ્ટ્રેટની પણ જવાબદારી હશે કે તે અટકાયતનો સમય નોંધે. ધરપકડ અને અટકાયત વચ્ચે ફરક કરવો એ ગેરબંધારણીય છે.