સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર: પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં યુવકે દાતરડાથી પોતાનું પેટ ચીર્યું, નોટ કાઢવા આંતરડા બહાર કાઢ્યા

ગાંધીનગર: પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં યુવકે દાતરડાથી પોતાનું પેટ ચીર્યું, નોટ કાઢવા આંતરડા બહાર કાઢ્યા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં 36 વર્ષીય એક યુવકે દાતરડા જેવા તીક્ષ્ણ હથિયારથી પોતાનું જ પેટ ચીરી નાખ્યું હતું. ગંભીર હાલતમાં તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સર્જરી વિભાગની ટીમે જટિલ ઓપરેશન કરી તેનો જીવ બચાવ્યો હતો.

કડીના રહેવાસી આ યુવકને ત્રણ દીકરી છે અને તેને પુત્ર જોઈતો હતો. કોઈએ તેને 100 રૂપિયાની નોટ અને દાણા આપીને કહ્યું હતું કે જા, તને પુત્ર થશે. પરંતુ યુવકે તે દાણા સાથે 100 રૂપિયાની નોટ પણ ગળી લીધી હતી. પછી તેને થયું કે જો નોટ પાછી નહીં મળે તો પુત્ર થશે નહીં. આ વિચારથી તે ખેતરમાં ગયો અને દાતરડાથી પેટ ચીરીને નોટ શોધવા લાગ્યો.

આ ઘટનાને એક સપ્તાહ થઈ ગયું છે. તબીબોએ અત્યંત જટિલ સર્જરી કરી યુવકને બચાવી લીધો અને પેટમાંથી 100 રૂપિયાની નોટ પણ બહાર કાઢી. હાલમાં યુવક સ્વસ્થ છે અને એક-બે દિવસમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ ઘટનાથી પરિવારના સભ્યો પણ ચોંકી ગયા છે અને અંધશ્રદ્ધા અંગે અનેક સવાલો ઉઠ્યા છે.