સત્ય. સાહસ. સંકલ્પ.

પેગાસસ નક્ષત્રમાં સુપરનોવા વિસ્ફોટ: 4.5 કરોડ પ્રકાશવર્ષ દૂર તારાનો વિનાશ

પેગાસસ નક્ષત્રમાં સુપરનોવા વિસ્ફોટ: 4.5 કરોડ પ્રકાશવર્ષ દૂર તારાનો વિનાશ

પૃથ્વીથી 4.5 કરોડ પ્રકાશવર્ષ દૂર આવેલી NGC 7331 ગેલેક્સીમાં એક વિશાળ તારામાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. વૈજ્ઞાનિકોએ આ ઘટનાને SN 2026 AAIV નામ આપ્યું છે. આ Type 1a સુપરનોવા 1 સપ્ટેમ્બર 2026ના રોજ નોંધાયો હતો, જે બાઈનરી સ્ટાર સિસ્ટમમાં સફેદ વામન તારાના વિનાશથી સર્જાયો છે. ખગોળશાસ્ત્રીઓ આ દુર્લભ ઘટનાને કેમેરામાં કેદ કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકોના વિશ્લેષણ મુજબ, આ Type 1a સુપરનોવા છે. આ પ્રકારનો વિનાશ ત્યારે થાય છે જ્યારે બાઈનરી સ્ટાર સિસ્ટમમાં (જ્યાં બે તારા એકબીજાની પરિક્રમા કરે છે) રહેલો સફેદ વામન તારો પોતાના સાથી તારામાંથી સતત ગેસ અને દ્રવ્ય ખેંચીને એકઠું કરે છે. જ્યારે આ દ્રવ્ય એક ચોક્કસ મર્યાદા વટાવી જાય છે, ત્યારે સફેદ વામન તારામાં અનિયંત્રિત થર્મોન્યુક્લિયર પ્રતિક્રિયા શરૂ થાય છે. આ પ્રચંડ પ્રતિક્રિયાના કારણે સમગ્ર તારો એક જ ક્ષણમાં ટુકડા થઈ જાય છે.

સૌપ્રથમ 1 સપ્ટેમ્બર 2026ના રોજ આ વિસ્ફોટની નોંધ લેવામાં આવી હતી. પ્રખ્યાત ખગોળ ફોટોગ્રાફર એન્ડ્રુ મેકકાર્થીએ 7 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર આ સુપરનોવાની અદ્ભુત તસવીર શેર કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ ખૂબ ભાગ્યશાળી હતા, કારણ કે જ્યારે આ વિસ્ફોટ દેખાયો ત્યારે તેઓ આ જ ગેલેક્સી પર એક મોટા પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા હતા. તેમણે વિસ્ફોટ પહેલાનો અને પછીનો કુલ 4 કલાકનો ડેટા એકત્રિત કર્યો હતો.

આ ઉપરાંત, માઉન્ટ વિલ્સન ઓબ્ઝર્વેટરીના ઓપરેશન્સ મેનેજર ટોમ માસ્ટરસને 10 સપ્ટેમ્બરે 60-ઇંચના ટેલિસ્કોપની મદદથી તેની સુંદર તસવીરો કેદ કરી હતી. 11 સપ્ટેમ્બર 2026ના રોજ આ સુપરનોવાની તેજસ્વીતા 15.7 મેગ્નિટ્યૂડ પર નોંધવામાં આવી હતી. જોકે હવે તેનું તેજ ધીમે ધીમે મંદ પડી રહ્યું છે, તેથી વિશ્વભરના સ્ટારગેઝર્સ આ ઐતિહાસિક ક્ષણને ચૂકી ન જવા માટે આખી રાત જાગીને તેને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે.

NGC 7331 ગેલેક્સીમાં આ કોઈ પહેલી ઘટના નથી. ગયા વર્ષે, 14 જુલાઈ 2025ના રોજ, આ જ ગેલેક્સીમાં SN 2025RBS નામનો અન્ય એક Type 1a સુપરનોવા જોવા મળ્યો હતો. એક જ ગેલેક્સીમાં આટલા ટૂંકા સમયગાળામાં બે મોટા તારાઓનો વિસ્ફોટ થવો તે ખગોળશાસ્ત્રના નિષ્ણાતો માટે આશ્ચર્યજનક છે. આ ગેલેક્સીનું કદ અને દળ આપણી મિલ્કી વે આકાશગંગાને ઘણું મળતું આવે છે. પ્રખ્યાત બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયમ હર્શેલે સૌપ્રથમ 1784માં આ ગેલેક્સીની શોધ કરી હતી.

જો તમે જાતે આ ખગોળીય ઘટના જોવા માગતા હો, તો રાત્રે પેગાસસ નક્ષત્ર તરફ જુઓ. રાત પડતાં જ પૂર્વ દિશામાં હીરાના આકારમાં ચાર મોટા અને તેજસ્વી તારા દેખાશે. આ ચોરસ આકારની પેટર્નને 'ગ્રેટ સ્ક્વેર ઓફ પેગાસસ' કહેવાય છે. આ ચોરસના ઉત્તર-પશ્ચિમ ખૂણા પર 'શેટ' (Scheat) નામનો તેજસ્વી તારો આવેલો છે. શેટની બરાબર ઉપર 'માતર' (Matar) નામનો થોડો ઝાંખો તારો દેખાશે. આ માતર તારાની ખૂબ જ નજીક NGC 7331 ગેલેક્સી આવેલી છે. તેનું ચોક્કસ આકાશી સ્થાન RA 22 કલાક 37 મિનિટ 05.618 સેકન્ડ અને Dec +34 ડિગ્રી 24 મિનિટ 35.37 સેકન્ડ છે. અહીં RA (રાઇટ એસેન્શન) એટલે કે વિષુવાંશ, જે પૃથ્વી પરના રેખાંશની જેમ કામ કરે છે અને આકાશી ગોળા પર પૂર્વ-પશ્ચિમ દિશા દર્શાવે છે. ડિગ્રીને બદલે તે સમયમાં એટલે કે કલાક, મિનિટ અને સેકન્ડમાં માપવામાં આવે છે.