દેશ અને દુનિયા પર અનાજ સંકટનો ખતરો તોળાઈ રહ્યો છે. અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન વિદેશમંત્રી એસ. જયશંકરે આ અંગે ચેતવણી આપી છે. હાલ વાતાવરણની પેટર્ન બદલાઈ છે અને પ્રશાંત મહાસાગરમાં સુપર અલ નિનો સક્રિય થઈ રહ્યો છે. તેના કારણે ક્યાંક અતિશય વરસાદ તો ક્યાંક કાળજાળ ગરમીની સ્થિતિ સર્જાશે. જેની સીધી અસર પાક ઉત્પાદન પર થશે. ખાસ કરીને સુપર અલ નિનોથી એશિયાના દેશો સૌથી વધુ પ્રભાવિત થશે. ભારતની વસ્તીને જોતા દેશમાં ગંભીર અનાજની અછત સર્જાવાની આશંકા છે.
વિદેશમંત્રી જયશંકરે અમેરિકામાં એક કાર્યક્રમમાં વૈશ્વિક પડકારોનો ઉલ્લેખ કરતાં ભારતના સંદર્ભમાં ખાદ્યાન્ન સંકટની વાત કરી. તેમણે ઊર્જા અને ખાતરની સાથે-સાથે અનાજના સંકટનો પણ ઉલ્લેખ કર્યો. જે બાદ દેશમાં અનેક આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.
એક તરફ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહી ચૂક્યા છે કે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક દુષ્કાળને કારણે પહેલેથી જ પાક નુકસાનની સ્થિતિ બનેલી છે. વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે અમે સુપર અલ નિનોની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છીએ. સમગ્ર દુનિયા અત્યારે મોટા સંકટનો સામનો કરી રહી છે. પશ્ચિમ એશિયામાં તણાવને પગલે પહેલેથી જ વિશ્વમાં ઊર્જાનું સંકટ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે રાસાયણિક ખાતરનું સંકટ પણ ચાલી રહ્યું છે.
ભારતમાં વિષમ વાતાવરણને કારણે ક્યાંક અતિ ભારે વરસાદ તો ક્યાંક સાવ દુષ્કાળની સ્થિતિને કારણે પાક નાશ પામ્યો છે. ઉપરથી અલ નિનોની ચેતવણીએ ચિંતા વધારી દીધી છે. મધ્ય એશિયા અને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે જયશંકરે ચિંતા વ્યક્ત કરી, પરંતુ ભારતની સમસ્યા હવામાન પણ છે. હાલ મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ જોવા મળી રહી છે. ઉભા પાકને પાણી ન મળ્યું તો પાક બળી જવાની ભીતિ છે. બીજી તરફ અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પાક બરબાદ થઈ ગયો છે. ખેતરોમાં લહેરાતા ઘઉંના પાક પૂરના પાણીમાં તણાઈ ગયા. ખુદ કૃષિમંત્રીએ સ્વીકાર્યું છે કે આ વર્ષે 12% વરસાદ ઓછો થયો છે. વરસાદની ઘટને કારણે ખરીફ પાકોમાં ઓછું વાવેતર નોંધાયું છે.
ખરીફ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. આ વખતે ખરીફ પાકોનું વાવેતર ક્ષેત્રફળ ગત વર્ષ કરતા એક ટકા ઓછું રહ્યું છે. જેનાથી અનાજનું ક્ષેત્રફળ લગભગ 16.32 લાખ હેક્ટર ઘટ્યું છે. જેનાથી મકાઈ, સોયાબીન અને કપાસનું ઉત્પાદન ઘટ્યું છે. જો કે અડદ, બાજરી, જુવાર, તુવેર, તેલ અને સૂર્યમુખીનું ઉત્પાદન વધ્યું છે, પરંતુ ભારે વરસાદને કારણે આવેલા પૂરથી 6.11 લાખ હેક્ટરમાં પાક પ્રભાવિત થયો છે.
વરસાદને કારણે કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાનના કેટલાક હિસ્સામાં નુકસાનની જાણકારી મળી છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. અહીંના ખેડૂતો ચોમાસાની રાહ જોતા જ રહી ગયા અને ખેતરમાં સોયાબીન અને કપાસ સહિતના પાકો પાણીની અછતને કારણે બરબાદ થઈ ગયા. હાલ સ્થિતિ એ છે કે દુષ્કાળે ખેડૂતોને ક્યાંય નથી રહેવા દીધા.
વરસાદના ડેટા જણાવે છે કે મહારાષ્ટ્રના અનેક જિલ્લા દુષ્કાળથી પ્રભાવિત છે. આ જિલ્લાઓમાં અમરાવતી, નાગપુર, વર્ધા, અકોલા, બુલઢાણા, વાશીમ, યવતમાલ, ચંદ્રપુર, હિંગોળી, પરભણી, બીડ, સોલાપુર, સાંગલી અને સતારા સામેલ છે. રાજ્યના રિપોર્ટ અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોલાપુર સૌથી વધુ દુષ્કાળથી પ્રભાવિત છે, જ્યાં 56% વરસાદની અછત રહી. ચોમાસામાં 21 થી 43 દિવસ સુધી વરસાદ ન પડ્યો. મરાઠાવાડાના અન્ય જિલ્લાઓ લાતૂર, ધારાશિવ, બીડ અને પરભણીમાં 33 થી 40 ટકા વરસાદની ઘટ રહી. સરકારના રિપોર્ટ અનુસાર પાકને 60% થી વધુ નુકસાન થઈ શકે છે. સોયાબીનના પાકમાં 80 થી 90% ની ઘટનું અનુમાન છે, જ્યારે બાજરી, મકાઈ અને તુવેરદાળના પાકમાં 60-70% સુધી નુકસાન થઈ શકે છે. સરકાર પણ માને છે કે મહારાષ્ટ્રમાં દુષ્કાળને કારણે સ્થિતિ ગંભીર છે.