હવામાનની કુદરતી ઘટના 'સુપર અલ નીનો'ને કારણે આફ્રિકાના સાહેલ વિસ્તારમાં ભયાનક લૂ અને કાળઝાળ ગરમી પડવાની ચેતવણી સામે આવી છે. એક નવા સંશોધન અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2026થી ફેબ્રુઆરી 2027 વચ્ચે સામાન્ય વર્ષોની સરખામણીએ નાઇજીરિયા, સુદાન, નાઇજર અને ચાડમાં અતિશય ગરમીને કારણે આશરે 66,800 વધારાના મોત થઈ શકે છે. સૌથી ભયાનક સ્થિતિ નાઇજીરિયામાં જોવા મળી શકે છે, જ્યાં એકલા દેશમાં જ 31,400 લોકો ગરમીનો ભોગ બને તેવી ભીતિ છે.
સહારા રણની દક્ષિણે આવેલા સાહેલ વિસ્તારના ચાર મુખ્ય દેશોમાં ગરમીનું જોખમ સૌથી વધુ આંકવામાં આવ્યું છે. નાઇજીરિયામાં 31,400, સુદાનમાં 17,500, નાઇજરમાં 10,000 અને ચાડમાં 8,000 વધારાના મોતની શક્યતા છે. આ દેશોમાં વીજળીની ભારે અછત, ગરીબી અને યુદ્ધ જેવા પરિબળોને કારણે ગરમીથી બચવાના ઉપાયો મર્યાદિત બની જાય છે.
નાઇજરમાં માત્ર 21% અને ચાડમાં માંડ 13% વસ્તી પાસે વીજળીની સુવિધા છે. પંખા, કૂલર કે AC ચલાવવા માટે વીજળી જરૂરી છે, પરંતુ આ દેશોમાં તેની ભારે અછત છે. વધુમાં, ગરીબીને કારણે લોકો કૂલિંગ સાધનો ખરીદી શકતા નથી, જેથી ઘરની ચાર દીવાલો વચ્ચે પણ ગરમીથી રાહત મળતી નથી. આ દેશોમાં મોટાભાગના લોકો ખેતી અને મજૂરી માટે કલાકો સુધી તડકામાં કામ કરે છે, જેથી ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકનો ખતરો વધી જાય છે.
સંશોધકોએ યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સના મોડેલિંગનો ઉપયોગ કરીને આગામી છ મહિનાના તાપમાનનો અંદાજ મેળવ્યો હતો. ત્યારબાદ વિશ્વના 24,378 વિસ્તારોના વર્ષ 1996થી 2025 સુધીના તાપમાન અને મૃત્યુદરના જૂના ડેટા સાથે સરખામણી કરીને આ ગણતરી કરવામાં આવી છે. વૃદ્ધો, નાના બાળકો, બીમાર વ્યક્તિઓ અને ખુલ્લામાં કામ કરતા ખેડૂતો સૌથી સંવેદનશીલ જૂથમાં આવે છે.
વૈશ્વિક સ્તરે પણ સુપર અલ નીનોની વ્યાપક અસર જોવા મળશે. રિસર્ચ અનુસાર, જૂન 2026થી ફેબ્રુઆરી 2027 દરમિયાન સમગ્ર વિશ્વમાં ગરમીના કારણે આશરે 4.51 લાખ વધારાના મોત થવાનું અનુમાન છે, જેમાં ગરીબ દેશો સૌથી વધુ પ્રભાવિત થશે.
બચાવ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. સરકારોએ સમયસર હીટ વોર્નિંગ જારી કરીને લોકોને સચેત કરવા જોઈએ. વધુ જોખમવાળા વિસ્તારોમાં જાહેર કૂલિંગ શેલ્ટર્સ અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. ખુલ્લામાં કામ કરતા મજૂરોના કામના કલાકો બદલીને બપોરના આકરા તડકાથી દૂર રાખવા જોઈએ. હોસ્પિટલોમાં હીટસ્ટ્રોક સામે લડવા માટે વધારાનો સ્ટાફ અને ઇમરજન્સી દવાઓનો જથ્થો પહેલેથી ઉપલબ્ધ કરાવવો જરૂરી છે.