સત્ય. સાહસ. સંકલ્પ.

સની દેઓલની 'સૂર્યા' ફિલ્મ વિવાદમાં: IMAએ ટીઝર સામે વાંધો ઉઠાવ્યો

સની દેઓલની 'સૂર્યા' ફિલ્મ વિવાદમાં: IMAએ ટીઝર સામે વાંધો ઉઠાવ્યો

બોલિવૂડ અભિનેતા સની દેઓલની આગામી ફિલ્મ 'સૂર્યા: અંત સે આરંભ તક' રિલીઝ પહેલા વિવાદમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના ટીઝર સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મની સમીક્ષા કરવાની માંગ કરી છે.

IMAએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ફિલ્મના પ્રમોશનલ કન્ટેન્ટમાં મેડિકલ ક્ષેત્રના ચિત્રણ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. પત્રમાં જણાવાયું છે કે ફિલ્મમાં હેલ્થકેર સેક્ટરમાં ભ્રષ્ટાચારને સામાન્ય બાબત તરીકે દર્શાવવામાં આવ્યો છે અને આરોગ્યકર્મીઓ સામેની હિંસાનું ગૌરવગાન કરવામાં આવ્યું છે, જે ચિંતાજનક છે.

IMAએ ખાસ ઉલ્લેખ કર્યો છે કે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના કર્મચારીઓ પર શારીરિક હુમલાના દ્રશ્યોને હીરોઈક રીતે બતાવવાથી સમાજમાં ખોટો સંદેશ જશે. આરોગ્ય કર્મચારીઓ પહેલેથી જ હોસ્પિટલોમાં સુરક્ષાના ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવા દ્રશ્યો હિંસાને સામાન્ય બનાવવાનું જોખમ ઊભું કરે છે. IMAએ સરકારને કાયદાકીય જોગવાઈઓ હેઠળ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા અથવા યોગ્ય કડક પગલાં લેવા અનુરોધ કર્યો છે.

આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ સ્પષ્ટતા કરી છે કે ફિલ્મને હજુ સુધી સર્ટિફિકેશન માટે બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી નથી.

ફિલ્મના ટીઝરમાં સની દેઓલના પાત્ર 'સૂર્યા'ને મેડિકલ સિસ્ટમ સાથે જોડાયેલી ઘટનાઓના રહસ્યમય ચક્રવ્યૂહમાં ફસાયેલો બતાવવામાં આવ્યો છે. સૂર્યા સમાજે મૂંગા મોઢે સ્વીકારી લીધેલી વાતો અને અન્યાય પર સવાલ ઉઠાવે છે અને ઉપરથી કાયદેસર જણાતી પરંતુ અંદરથી સડી ગયેલી વ્યવસ્થાના સત્યને બહાર લાવવાનો પ્રયાસ કરે છે.

ફિલ્મ 20 નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત રવિ કિશન, પ્રજ્ઞા જાયસવાલ, તનુશ્રી ચક્રવર્તી, મનીષ વાધવા, ટીનુ આનંદ, વિરતી વઘાણી, જિશુ સેનગુપ્તા, ખાલિદ સિદ્દીકી, અનૂપ ત્રિવેદી અને રોહિત તિવારી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે.