સત્ય. સાહસ. સંકલ્પ.

ગોવિંદા-સુનીતા વિવાદ વચ્ચે સુનીતાએ દક્ષિણેશ્વર કાળી મંદિરમાં પ્રાર્થના કરી

ગોવિંદા-સુનીતા વિવાદ વચ્ચે સુનીતાએ દક્ષિણેશ્વર કાળી મંદિરમાં પ્રાર્થના કરી

કોલકાતાના દક્ષિણેશ્વર કાળી મંદિરમાં ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ દર્શન-પૂજા કરી. આ દરમિયાન તેમણે પોતાના અંગત જીવનની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમના જીવનમાં પણ કેટલાક 'રાક્ષસો' છે, જેમને દૂર કરવા તેમણે માઁ કાળીને પ્રાર્થના કરી.

પૂજા બાદ સુનીતાએ કહ્યું, 'હું આજે દક્ષિણેશ્વર કાળી માતા રાણીનાં દર્શન કરવા આવી છું. તમે બધા જાણો છો કે મહાકાળી રાક્ષસોનો નાશ કરે છે. મારા જીવનમાં પણ કેટલાક રાક્ષસો છે, માતાને કહેવા આવી છું કે તેમનો પણ નાશ કરે.'

સુનીતાએ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ અંગે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, 'મીડિયામાં આવવાની લાલચમાં તેઓ પબ્લિસિટી કરી રહ્યા છે અને હું હાથ જોડીને મીડિયાને પણ વિનંતી કરું છું કે તમે લોકો આ બધાને સપોર્ટ ન કરો. જો તમારા ઘરની દીકરી હોય કે તમારી વહુ હોય અને તેણે આ બધું સહન કરવું પડે, તો તમે લોકો શું કરતા?'

તેમણે કોઈ વ્યક્તિનું સીધું નામ લીધું નથી. જોકે, તેમના નિવેદનને ગોવિંદા સાથે ચાલી રહેલા વૈવાહિક વિવાદની ચર્ચાઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

સુનીતાએ વધુમાં કહ્યું, 'મારી સાથે જે થઈ રહ્યું છે તે સારું નથી થઈ રહ્યું, આ ઘર કોઈ કારણ વિના તૂટી રહ્યું છે. હું ઈચ્છું છું કે તમે બધી મહિલાઓ મારા માટે અવાજ ઉઠાવો, બધા જેન-ઝી પેઢીના બાળકો મારા માટે અવાજ ઉઠાવે અને મીડિયાને વિનંતી કરું છું કે કૃપા કરીને આ બાબતને વધુ આગળ ન વધારો. તમારે પણ યોગ્ય રીતે મને સહયોગ આપવો જોઈએ. હું માતા પાસે આ જ માગવા આવી છું કે જે મારા ઘરનો વિનાશ કરી રહી છે, માતા તેને જુએ. તેઓ રાક્ષસોનો નાશ કરનારી માતા રાણી છે, અને હું ઈચ્છું છું કે મારા જીવનમાંથી આ સંકટ દૂર થઈ જાય. જય મા કાળી, જય મા કાળી.'

ઉલ્લેખનીય છે કે ગોવિંદા લગભગ સાત વર્ષ બાદ ફિલ્મ 'રૂપા'થી બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કોમલ રાની સ્વર્ણકાર મુખ્ય ભૂમિકામાં છે. છેલ્લા કેટલાક સમયથી ગોવિંદાનું નામ કોમલ રાની સાથે જોડવામાં આવી રહ્યું છે અને બંને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે, જેમ કે એરપોર્ટ પર અને મુંબઈમાં લાલબાગચા રાજાનાં દર્શન કરતી વખતે. આ કારણે તેમના સંબંધની ચર્ચાઓને વેગ મળ્યો છે.

આ અફવાઓ પર પ્રતિક્રિયા આપતાં ગુરુવારે ગોવિંદાએ કહ્યું કે તેમનું અંગત જીવન કોઈ અન્ય વ્યક્તિ માટે ચિંતા કે ચર્ચાનો વિષય ન હોવું જોઈએ. ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, 'આ કોઈ અન્ય વ્યક્તિ માટે ચર્ચાનો વિષય નથી, ભલે કોઈ અફેર હોય. હું માત્ર કામ કરી રહ્યો છું અને એક વ્યાવસાયિક સંબંધ જાળવી રહ્યો છું.' તેમણે કહ્યું કે લોકો કોઈ કારણ વિના તેમના અંગત જીવનને નિશાન બનાવી રહ્યા છે, જ્યારે તેમણે માત્ર પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ.

કોમલ રાની સાથે ગણપતિ પંડાલમાં જોવા મળવા અંગે સ્પષ્ટતા આપતાં ગોવિંદાએ જણાવ્યું કે તે પોતાની આગામી ફિલ્મ 'રૂપા' માટે લાલબાગચા રાજાના દરબારમાં પ્રાર્થના કરવા ગયો હતો. તેમણે કહ્યું, 'આ પહેલાં પણ હું કરિશ્મા કપૂર અને રવીના ટંડન સાથે મંદિરોમાં ગયો હતો અને એ ફિલ્મો ખૂબ મોટી હિટ સાબિત થઈ હતી. હું લાંબા સમય પછી નવું કામ શરૂ કરી રહ્યો છું, તેથી પ્રાર્થના કરવા ગયો હતો.'

ગોવિંદા અને કોમલ રાની લાલબાગચા રાજાના દરબારમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેમના થોડા સમય પહેલાં જ સુનીતા આહુજા પણ લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચી હતી. સુનીતા પોતાની સુરક્ષા ટીમ સાથે એકલી જ ગઈ હતી.

ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ પોતાના વિરુદ્ધ ચાલી રહેલી વાતોને સમજી-વિચારીને ઘડાયેલું કાવતરું ગણાવ્યું. તેમણે કહ્યું, 'આ કોઈ એક વ્યક્તિની ભૂલ નથી, પરંતુ ખૂબ જ સમજી-વિચારીને બનાવવામાં આવેલી યોજના છે. આવી બાબતો આગળ પણ બની શકે છે. આ મને મારા પરિવારથી અલગ કરવા અને સમાજમાં મારી છબી ખરાબ કરવાની યોજના છે.' તેમણે કહ્યું કે તેમણે હંમેશાં પોતાના કામ પર ધ્યાન આપ્યું છે અને આગળ પણ કામ કરતા રહેશે.