એશિયન ગેમ્સ 2026માં ભારતને કુસ્તીમાં પ્રથમ મેડલ મળ્યો છે. હરિયાણાના સોનીપતના 27 વર્ષીય સુનીલ કુમારે પુરુષોની 87 કિગ્રા ગ્રીકો-રોમન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
બ્રોન્ઝ મેડલની મુકાબલામાં સુનીલે ફિલિપાઈન્સના રોબર્ટ્સ કેલમ જોહ્નસ્ટનને 9-0થી હરાવ્યો. મુકાબલાની શરૂઆતથી જ તેણે આક્રમક રમત બતાવીને બે ટેકડાઉન સાથે 4-0ની લીડ લીધી હતી. ત્યારબાદ સતત પોઈન્ટ મેળવીને તેણે ટેક્નિકલ સુપિરિયોરિટીથી મુકાબલો જીતી લીધો.
સુનીલ માટે આ સતત બીજો એશિયન ગેમ્સ બ્રોન્ઝ મેડલ છે. તેણે 2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ 87 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ બે મેડલ સાથે તે એશિયન ગેમ્સના ઈતિહાસમાં બે ગ્રીકો-રોમન મેડલ જીતનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ બન્યો છે.
સુનીલની સફળતા પાછળ લાંબો સંઘર્ષ છે. સોનીપતના ડાબરપુર ગામના આ કુસ્તીબાજે પિતાના સપનું પૂરું કરવા માટે કુસ્તી શરૂ કરી હતી. પિતાના અવસાન બાદ તેણે કુસ્તી છોડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ માતા અનિતા દેવીએ તેને ફરી અખાડામાં પરત ફરવા પ્રોત્સાહન આપ્યું.
કુસ્તી સાથે સુનીલે સરકારી નોકરી પણ મેળવી છે. તે ભારતીય રેલવેમાં ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. રેલવેમાં નોકરી કરતા ખેલાડીએ એશિયન ગેમ્સમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.