સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત કોન્સર્ટમાં સુનિધિ ચૌહાણના ડાન્સરોના કપડાંને લઈને વિવાદ, બજરંગ દળે વિરોધ નોંધાવ્યો

સુરત કોન્સર્ટમાં સુનિધિ ચૌહાણના ડાન્સરોના કપડાંને લઈને વિવાદ, બજરંગ દળે વિરોધ નોંધાવ્યો

સુરતના પાલ વિસ્તારમાં સ્થિત ગ્રાન્ડ ફેરોહાર ખાતે 3 ઓક્ટોબરે બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણના લાઈવ કોન્સર્ટમાં સ્ટેજ પર ડાન્સરોના વસ્ત્રો અને પર્ફોર્મન્સને લઈને વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બજરંગ દળે આ પ્રદર્શનને અશોભનીય ગણાવ્યું છે.

બજરંગ દળ સુરત પૂર્વ વિભાગના સંયોજક અભિષેક રાજપૂતે કહ્યું કે, કોન્સર્ટમાં કપડાં પહેરવાની મર્યાદા જાળવવામાં આવી નથી. તેમણે ઉમેર્યું કે, ભારતીય સંસ્કૃતિ અનુસાર પહેરવેશ યોગ્ય હોવો જોઈએ અને કાર્યક્રમોમાં પારિવારિક માહોલ જળવાવો જોઈએ. પરિવાર સામે સંસ્કૃતિનું હનન ન ચલાવી લેવાય તેમ કહી તેમણે આયોજકો સાથે વાતચીત કરીને ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં કલાકારો માટે યોગ્ય ડ્રેસ કોડ નક્કી કરવાની અપીલ કરવાની વાત કરી છે.

બીજી તરફ, ઇવેન્ટના આયોજક સચી ઇવેન્ટ્સના અજેશ કુમારે બજરંગ દળના આક્ષેપોને રદિયો આપ્યો છે. તેમણે કહ્યું કે, ભારતમાં દરેક નાગરિકને પોતાની પસંદગી મુજબ વસ્ત્રો પહેરવાની સ્વતંત્રતા છે અને કાયદામાં ક્યાંય ડ્રેસ કોડ નક્કી કરાયો નથી. સુનિધિ ચૌહાણે અગાઉ પણ સુરત અને અમદાવાદ સહિત દેશભરમાં આવા જ આઉટફિટમાં પર્ફોર્મન્સ આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, જે લોકોને કાર્યક્રમના ફ્રી પાસ ન મળ્યા, તેઓ જાણીજોઈને સોશિયલ મીડિયા પર ડ્રામો ઊભો કરીને મુદ્દો બનાવી રહ્યા છે.

કોન્સર્ટની શરૂઆત સુનિધિની અનોખી એન્ટ્રીથી થઈ હતી, જેમાં તેઓ ગ્રાઉન્ડથી આશરે 30 ફૂટની ઊંચાઈએ કેબલ્સ વચ્ચે ખુરશી પર બેસીને સ્ટેજ પર ઉતર્યા હતા. તેમની સાથે 15 સભ્યોની ડાન્સ ક્રૂ, બીટબોક્સર અને મ્યુઝિક બેન્ડ જોડાયું હતું. સુનિધિએ 'આજે મને ગાવા દો' કહીને ચાહકોમાં ઉત્સાહ ભર્યો હતો અને 'ડાન્સ પે ચાન્સ' જેવા હિટ ગીતો પર પર્ફોર્મન્સ આપીને કાર્યક્રમ દરમિયાન બે વખત પોતાના આઉટફિટ પણ બદલ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુનિધિ ચૌહાણ પહેલાં પણ વિવાદોમાં રહ્યા છે. ચંદીગઢના પ્રોફેસર ડો. પંડિત રાવ ધરેનવરની ફરિયાદના આધારે દક્ષિણ ગોવા જિલ્લા બાળ સંરક્ષણ એકમ દ્વારા તેમને 'બીડી જલઈ લે' અને 'શરાબી' જેવા ગીતો ન ગાવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી. 2007માં એક ઇન્ટરવ્યુમાં તેમણે પાકિસ્તાની સિંગર આતિફ અસલમને 'ઓવરરેટેડ' કહ્યો હતો, જેની ચર્ચા થઈ હતી.