દીકરીના ભવિષ્ય અને ઉચ્ચ શિક્ષણ માટે બચત કરવી એ દરેક માતાપિતા માટે અગત્યની બાબત છે. આ માટે કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) સુરક્ષિત રોકાણનો વિકલ્પ છે.
સામાન્ય રીતે આ યોજના હેઠળ એક પરિવારમાં વધુમાં વધુ બે દીકરીઓના ખાતા ખોલી શકાય છે. પરંતુ નિયમોમાં અમુક ખાસ સંજોગોમાં ત્રીજા ખાતાની પણ છૂટછાટ આપવામાં આવી છે. જો તમારા પરિવારમાં ત્રણ દીકરીઓ છે, તો જાણો આ છૂટછાટ કોને મળે છે.
ત્રીજું ખાતું ક્યારે ખૂલી શકે?
આ નિયમોમાં બાળકોના જન્મનો ક્રમ મહત્વનો છે. જો માતાની પ્રથમ ડિલિવરીમાં જ જોડિયા (twins) અથવા ત્રણ બાળકો (triplets) એકસાથે જન્મે, તો નિયત શરતો પૂરી કરીને ત્રણેય દીકરીઓ માટે અલગ ખાતા ખોલી શકાય છે.
બીજી સ્થિતિ એ છે કે પહેલી ડિલિવરીમાં એક દીકરી અને બીજી ડિલિવરીમાં જોડિયા કે ત્રણ બાળકો જન્મે, તો પણ ત્રણ ખાતા ખોલવાની મંજૂરી છે.
પરંતુ ધ્યાન રાખવું જરૂી છે કે પહેલી ડિલિવરીમાં બે કે તેથી વધુ દીકરીઓ જન્મે અને પછીની ડિલિવરીમાં એક દીકરી જન્મે, તો ત્રીજું ખાતું ખોલી શકાશે નહીં. એટલે કે ફક્ત ત્રણ દીકરીઓ હોવી પૂરતી નથી, તેમનો જન્મ કયા ક્રમમાં થયો તે પણ જોવામાં આવે છે.
ખાતું ક્યાં ખોલાવવું અને રોકાણની મર્યાદા
આ યોજનામાં ખાતું દીકરીના જન્મથી લઈને તે 10 વર્ષની થાય ત્યાં સુધી ખોલાવી શકાય છે. આ માટે નજીકની અધિકૃત પોસ્ટ ઓફિસ કે બેંક શાખામાં જવું પડે છે.
એક નાણાકીય વર્ષમાં એક ખાતા દીઠ ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. જો નિયમો મુજબ ત્રણ ખાતા ખૂલ્યા હોય, તો દરેક ખાતામાં અલગ રકમ જમા કરી શકાય. ત્રણેય ખાતામાં મહત્તમ રકમ જમા કરાવાય તો પરિવારનું વાર્ષિક રોકાણ 4.5 લાખ રૂપિયા સુધીનું થઈ શકે છે.
કયા દસ્તાવેજો જરૂરી છે?
ત્રીજું ખાતું ખોલાવવા માટે માતાપિતા કે કાનૂની વાલીએ બાળકોના જન્મનો પાક્કો પુરાવો આપવો પડે છે. જોડિયા કે ત્રણ બાળકોના જન્મ પ્રમાણપત્રો બેંકમાં જમા કરાવવા પડે છે.
આ સાથે નિયમો મુજબ એક સોગંદનામું (એફિડેવિટ) પણ આપવું પડે છે. અમુક ખાસ કિસ્સામાં અધિકૃત ડૉક્ટર કે મેડિકલ સંસ્થાનું પ્રમાણપત્ર પણ માંગી શકાય છે. તેથી ફોર્મ ભરતા પહેલા બેંક કે પોસ્ટ ઓફિસમાં જઈને જરૂરી દસ્તાવેજોની ખાતરી કરી લેવી સારી રહેશે.
કરવેરામાં છૂટ અને મેચ્યોરિટીની રકમ
આ યોજના હેઠળ જમા કરાવેલી રકમ પર આવકવેરામાં છૂટછાટ મળે છે. ખાતાની પાકતી મુદત ખાતું ખોલ્યાની તારીખથી 21 વર્ષની છે, પરંતુ હપ્તા ફક્ત શરૂઆતના 15 વર્ષ સુધી ભરવાના હોય છે.
હાલના 8.2 ટકા વાર્ષિક વ્યાજદર પ્રમાણે ગણતરી કરીએ તો, એક ખાતામાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરાવાય તો 21 વર્ષ પછી આશરે 71.82 લાખ રૂપિયા મળી શકે છે. ત્રણ ખાતા માટે આ જ ગણતરી લાગુ કરીએ તો કુલ આશરે 2.15 કરોડ રૂપિયા થઈ શકે છે.
જોકે આ રકમ એક અંદાજ છે. ભવિષ્યમાં વ્યાજદરમાં ફેરફાર થાય તો આ આંકડામાં પણ ફેરફાર થઈ શકે છે.