સત્ય. સાહસ. સંકલ્પ.

તહેવારો પહેલાં ખાંડના ભાવ ઘટશે? સરકારે સ્ટોક મર્યાદા વધારી, જથ્થાબંધ ગ્રાહકોને રાહત

તહેવારો પહેલાં ખાંડના ભાવ ઘટશે? સરકારે સ્ટોક મર્યાદા વધારી, જથ્થાબંધ ગ્રાહકોને રાહત

કેન્દ્ર સરકારે આગામી તહેવારો દરમિયાન ખાંડની વધતી માંગને ધ્યાનમાં રાખીને જથ્થાબંધ વપરાશકર્તાઓ માટે ખાંડનો સ્ટોક રાખવાની મર્યાદા વધારી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના જણાવ્યા મુજબ, હવે મોટા ગ્રાહકો પોતાની 30 દિવસની જરૂરિયાત જેટલો સ્ટોક રાખી શકશે. અગાઉ આ મર્યાદા માત્ર 15 દિવસની હતી.

કોને મળશે લાભ?

આ નવો નિયમ દર મહિને 10 ટનથી વધુ ખાંડનો વપરાશ કરતા મોટા ઔદ્યોગિક એકમોને લાગુ થશે. પરંતુ 15 દિવસથી વધુનો સ્ટોક રાખવા માટે એક શરત છે. આ વધારાનો સ્ટોક માત્ર ટેરિફ રેટ ક્વોટા (TRQ) અથવા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ (AAS) હેઠળ આયાત કરાયેલી ખાંડનો જ હોવો જોઈએ. ખુલ્લા બજારમાંથી ખરીદેલી ખાંડ માટે સ્ટોક મર્યાદા અગાઉની જેમ 15 દિવસની જ રહેશે.

દર શુક્રવારે પોર્ટલ પર વિગત આપવી પડશે

સરકારે સ્ટોક પર નજર રાખવા માટે નવી વ્યવસ્થા ગોઠવી છે. મોટા વપરાશકર્તાઓએ દર શુક્રવારે ખાદ્ય મંત્રાલયના સત્તાવાર પોર્ટલ પર પોતાની પાસે રહેલા ખાંડના સ્ટોકની વિગતો જાહેર કરવી પડશે. આ નિર્ણયથી તહેવારોમાં ઔદ્યોગિક એકમોને ખાંડનો પૂરતો પુરવઠો મળશે અને સ્થાનિક બજાર પર વધારાનું દબાણ નહીં આવે.

ભાવ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા સૂચના

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે મિલ સ્તરે ખાંડના ભાવમાં આશરે 25 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે છૂટક બજારમાં ભાવ 65 રૂપિયાથી ઘટીને 58.50 રૂપિયા સુધી પહોંચ્યા છે, એટલે કે માત્ર 10 ટકાનો ઘટાડો થયો છે. સરકારે વેપારીઓ અને રિટેલર્સને અપીલ કરી છે કે મિલ સ્તરે થયેલા ઘટાડાનો સીધો લાભ સામાન્ય ગ્રાહકો સુધી તાત્કાલિક પહોંચાડવામાં આવે.

ખેડૂતો અને ગ્રાહકોના હિત વચ્ચે સંતુલન

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતો અને સામાન્ય ગ્રાહકો ભારતની સુગર પોલિસીના મુખ્ય આધારસ્તંભ છે. 1 ઓક્ટોબર 2026થી શરૂ થતી નવી સિઝનથી શેરડી પકવતા ખેડૂતોને ક્વિન્ટલ દીઠ 365 રૂપિયાનો વાજબી અને લાભકારી ભાવ (FRP) મળશે. આગામી દિવસોમાં તહેવારો દરમિયાન ખાંડની ઉપલબ્ધતા અને તેના ભાવો પર સરકાર ચાંપતી નજર રાખશે.