દિવાળી પર્વ હવે નજીક આવી રહ્યું છે, ત્યારે બજારમાં મોંઘવારીનો વધારો જોવા મળી રહ્યો છે. અમૂલ ઘી-બટર, CNG અને ખાંડના ભાવ વધતાં સામાન્ય વર્ગના ખિસ્સા પર બોજ વધ્યો છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે છેલ્લા 12 મહિનામાં ખાંડ 15 રૂપિયા મોંઘી થઈ છે.
અમદાવાદ સહિતના શહેરોમાં છૂટક બજારમાં ખાંડનો ભાવ 65 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જથ્થાબંધ બજારમાં સરેરાશ ભાવ 55.40 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે. તહેવારોમાં મીઠાઈ, ચોકલેટ અને પારંપરિક પકવાનોની માંગ વધતાં ખાંડનો પુરવઠો ઓછો થયો છે, જેના કારણે ભાવ ઊંચા રહે છે.
એક વર્ષ પહેલાં છૂટક બજારમાં ખાંડનો સરેરાશ ભાવ 49 રૂપિયા પ્રતિ કિલો હતો. હાલમાં ભાવ 65 રૂપિયા સુધી પહોંચતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સ્થાનિક હોલસેલ વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે મિલ સ્તરેથી સપ્લાય મર્યાદિત રહ્યો છે, જ્યારે તહેવારોને કારણે માંગ બમણી થઈ છે.
ખાંડ ઉપરાંત ઘી, દાળ, ચોખા, રાંધણ ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થયેલા આ વધારાને કારણે આ વખતે દિવાળીની ઉજવણી ફીકી બની છે.