સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પહેલાં ખાંડના ભાવ ₹70 સુધી, એક વર્ષમાં ₹13નો વધારો

દિવાળી પહેલાં ખાંડના ભાવ ₹70 સુધી, એક વર્ષમાં ₹13નો વધારો

દિવાળી નજીક આવી રહી છે ત્યારે ખાંડના ભાવમાં ફરી વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં ખાંડ પ્રતિ કિલો ₹4થી વધુ મોંઘી થઈ છે. કેટલાક છૂટક બજારોમાં ભાવ ₹70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

ગ્રાહક બાબતોના મંત્રાલયના સત્તાવાર આંકડા પ્રમાણે દેશમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ ₹59.50 પ્રતિ કિલો છે. જથ્થાબંધ બજારમાં સરેરાશ ભાવ ₹55.40 પ્રતિ કિલો છે. તહેવારોમાં મીઠાઈની માંગ વધતાં અને પુરવઠો ઘટતાં ભાવ ઊંચા રહે છે.

એક વર્ષ પહેલાં ખાંડ છૂટક બજારમાં ₹46.50 પ્રતિ કિલો અને જથ્થાબંધ બજારમાં ₹43.23 પ્રતિ કિલો વેચાતી હતી. આમ, એક વર્ષમાં ભાવ ₹12થી ₹13 પ્રતિ કિલો વધ્યા છે.

મોટા શહેરોમાં ભાવ વધુ ઊંચા છે. કોલકાતામાં ખાંડ ₹65 પ્રતિ કિલો (ગત વર્ષે ₹50), દિલ્હીમાં ₹64 (ગત વર્ષે ₹46) અને મુંબઈમાં ₹61 (ગત વર્ષે ₹45) પ્રતિ કિલો થઈ છે.

ખાંડ મોંઘી થવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. કૃષિ નિષ્ણાતોના મતે આ વર્ષે શેરડીના પાકને પ્રતિકૂળ હવામાન અને રોગોએ અસર કરી છે, જેથી ઉત્પાદન ઘટ્યું છે. તહેવારોમાં મીઠાઈ ઉત્પાદકોની માંગ વધી છે. વૈશ્વિક બજારમાં પણ ખાંડની ઉપલબ્ધતા ઓછી છે અને મધ્ય પૂર્વના તણાવને કારણે પરિવહન પ્રભાવિત થયું છે. કેટલાક વેપારીઓએ ગેરકાયદે સંગ્રહ કર્યો હોવાની શંકા છે, જેથી કૃત્રિમ અછત સર્જાઈ છે.

સરકારે ભાવ નિયંત્રણ માટે સ્ટોક લિમિટ નક્કી કરી છે, આયાતની મંજૂરી આપી છે અને સંગ્રહખોરી રોકવા નિરીક્ષણ ગોઠવ્યું છે. તેમ છતાં ભાવ ઊંચા રહેતાં સામાન્ય ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.