સત્ય. સાહસ. સંકલ્પ.

જન્માષ્ટમી પહેલાં ખાંડના ભાવમાં 20% ઘટાડો, રિટેલમાં ટૂંક સમયમાં રાહત

જન્માષ્ટમી પહેલાં ખાંડના ભાવમાં 20% ઘટાડો, રિટેલમાં ટૂંક સમયમાં રાહત

તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં ગ્રાહકોને મોટી રાહત મળી છે. દેશમાં ખાંડના એક્સ-મિલ ભાવમાં લગભગ 20% નો ઘટાડો નોંધાયો છે, જ્યારે છૂટક બજારમાં પણ 5% સુધીનો ભાવ ઘટ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશનના આંકડા અનુસાર, આ ઘટાડો મિલ સ્તરે નોંધાયો છે અને તેની સીધી અસર રિટેલ બજારમાં પણ જોવા મળી રહી છે.

દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને રાંચી જેવા શહેરોમાં ખાંડનો છૂટક ભાવ હાલ ₹61 પ્રતિ કિલોની આસપાસ છે. ગુવાહાટી, કાનપુર અને રાયપુરમાં ₹62 પ્રતિ કિલો અને ચેન્નઈમાં ₹63 પ્રતિ કિલોના ભાવે ખાંડ વેચાઈ રહી છે. આ ભાવ તહેવારો પહેલાં ગ્રાહકો માટે થોડી રાહત સમાન છે.

સરકારના જણાવ્યા અનુસાર, એક્સ-મિલ કિંમતોમાં આવેલા ઘટાડાની સંપૂર્ણ અસર છૂટક બજાર સુધી પહોંચવામાં થોડો સમય લાગે છે. જો મિલ સ્તરે ભાવ આ જ રીતે નીચા રહેશે, તો આગામી દિવસોમાં જથ્થાબંધ બજાર બાદ સામાન્ય ગ્રાહકોને છૂટક બજારમાં ખાંડ વધુ સસ્તી મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં ખાંડના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો હતો, જેના પગલે સરકારે સ્ટોક, વેચાણ અને બજાર ભાવ પર સતત દેખરેખ વધારી છે. સટ્ટાખોરી અને સંગ્રહખોરી રોકવા માટે સરકારે કડક પગલાં લીધા છે, જેથી બજારમાં પુરવઠો જળવાઈ રહે અને તહેવારો દરમિયાન ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ ઉપલબ્ધ થાય.