કેન્દ્ર સરકારે 10 લાખ ટન ડ્યૂટી-ફ્રી ખાંડની આયાત માટેની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. આ નિર્ણય તહેવારોની મોસમમાં ખાંડનો પૂરવઠો જાળવી રાખવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે લેવાયો છે.
સરકારે 20 ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને આ છૂટ આપી હતી, જેની મુદત 31 ઓક્ટોબરે પૂરી થઈ રહી હતી. જોકે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં માત્ર 3 લાખ ટન ખાંડ જ આયાત થઈ છે, એટલે મુદત લંબાવવામાં આવી છે.
છેલ્લા 10 દિવસમાં દેશમાં ખાંડના ભાવમાં ક્વિન્ટલ દીઠ ₹1,000નો વધારો થયો છે. સરકારે ભાવ નીચા રાખવા માટે અનેક પગલાં લીધાં છે, જેના કારણે હાલ ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ આયાતી ખાંડ મોંઘી પડતી હોવાથી ટ્રેડરો આયાત કરવામાં રસ દાખવતા નથી.
2026-27ની ખાંડ મોસમ (ઓક્ટોબરથી સપ્ટેમ્બર)માં ભારતમાં ખાંડનું ઉત્પાદન 3થી 4 લાખ ટન ઓછું રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેતાં જળાશયોમાંથી શેરડીને પૂરતું પાણી મળી શક્યું નથી.
આ વર્ષે અલ નિનોની અસરને કારણે ચોમાસું દાયકાનું સૌથી નબળું રહ્યું છે, જેની સીધી અસર શેરડીના પાક પર પડી છે. ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ છે. શેરડીનું ઉત્પાદન ઘટવાને કારણે સરકારે જાહેર ક્ષેત્રના ઉપક્રમોને શેરડીમાંથી ઈથેનોલ ખરીદવા માટે ટેન્ડર જારી ન કરવા સૂચના આપી છે, જેથી ખાંડના ઉત્પાદન પર વધુ દબાણ ન પડે.
દેશમાં ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલની યોજના હેઠળ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.