સુદાનના પશ્ચિમ કોર્દોફોન વિસ્તારમાં અલ-નુહુદ શહેરની ઉત્તરે આવેલી સોનાની ખાણ રવિવારે અચાનક ધસી પડી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 60 શ્રમિકોના મોત થયા છે અને અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
સ્થાનિક સૂત્રો અને આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ, બચાવ કામગીરી દરમિયાન 60 મૃતદેહો બહાર કાવામાં આવ્યા છે. સુદાનમાં સોનું કાઢવા માટે મોટાભાગે જૂની અને જોખમી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેમાં આધુનિક ટેકનોલોજીનો અભાવ હોય છે. આ સોનું દાણચોરી અને ગેરકાયદે વેચાણ દ્વારા બહાર વેચાય છે, જેનાથી મજૂરો માટે જોખમ વધે છે.
સુદાનની મોટાભાગની ખાણોમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું નથી અને કટોકટી સમયે જરૂરી બચાવ સાધનો પણ ઉપલબ્ધ હોતા નથી. પશ્ચિમ કોર્દોફોનની મોટાભાગની સોનાની ખાણો પેરામિલિટરી ફોર્સ 'રેપિડ સપોર્ટ ફોર્સિસ'ના નિયંત્રણ હેઠળ છે, જેમના માટે આ ખાણો આવકનો મોટો સ્રોત છે. છતાં, ત્યાં કામ કરતા મજૂરોની સુરક્ષા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી.
આ પહેલા પણ સુદાનમાં આવી દુર્ઘટનાઓ બની છે. જુલાઈ 2026માં ઉત્તરી સુદાનના વાદી હાફા વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડવાના કારણે 15 લોકોના મોત થયા હતા. એપ્રિલ 2026માં પણ ખાણ અકસ્માતમાં 7 મજૂરોના મોત થયા હતા અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.