સુદાનના વિવાદિત અબ્યેઈ વિસ્તારમાં આવેલા વ્યસ્ત બજારમાં સોમવારે બપોરે ડ્રોન હુમલો થયો હતો. આ હુમલાથી આખા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્રણ રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલો બજારમાં આવેલા એક ઈંધણ ડેપો પર કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટી હોનારત સર્જાઈ હતી.
અબ્યેઈમાં કાર્યવાહક માહિતી મંત્રી યોહાના અકોલ નગોરે જણાવ્યું હતું કે આ હુમલામાં મૃતકોની સંખ્યા પહેલા 73 નોંધાઈ હતી, જે હવે વધીને 153 થઈ ગઈ છે. તેમણે કોઈ પુરાવા આપ્યા વિના દાવો કર્યો કે આ ડ્રોન હુમલા માટે સુદાનની સેના જવાબદાર છે. જોકે, જ્યારે સુદાની સશસ્ત્ર દળોના પ્રવક્તાનો આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ધ્યાનમાં રહે કે અબ્યેઈની સ્થિતિ પર સુદાન અને દક્ષિણ સુદાન વચ્ચે લાંબા સમયથી વિવાદ છે, અને આ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પણ વિવાદિત રહી છે.
બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંગળવારે એક સાંસદે માહિતી આપી હતી કે વીકેન્ડ દરમિયાન પૂર્વ માલીના મેનાકા વિસ્તારમાં ISIS સાથે જોડાયેલા આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકો અને વૃદ્ધો સહિત 48 લોકોના મોત થયા છે. આતંકવાદી સમૂહે સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા હતા. આતંકવાદીઓનો આરોપ હતો કે આ લોકોએ માલીની સેનાને ISISના ઠેકાણાઓ વિશે માહિતી આપી હતી, જેના આધારે સેનાએ તે ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુદાનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધને કારણે ત્યાંના સામાન્ય નાગરિકોની હાલત દિવસેને દિવસે વધુ કફોડી બનતી જાય છે. વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વારંવાર યુદ્ધવિરામ અને નાગરિકોની સુરક્ષાની માંગ કરી રહી છે.