સત્ય. સાહસ. સંકલ્પ.

સુભાષ ચંદ્રા સામે CBIની FIR: ₹1,322 કરોડની લોન છેતરપિંડીનો આરોપ

સુભાષ ચંદ્રા સામે CBIની FIR: ₹1,322 કરોડની લોન છેતરપિંડીનો આરોપ

કેન્દ્રીય તપાસ એજન્સી CBI એ ઝી ગ્રુપના સ્થાપક સુભાષ ચંદ્રા સહિત ચાર લોકો સામે ₹1,322 કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં FIR દાખલ કરી છે. આ કાર્યવાહી LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) ની ફરિયાદ પર કરવામાં આવી છે.

LIC HFL નો આરોપ છે કે સુભાષ ચંદ્રાએ નકલી નેટવર્થ સર્ટિફિકેટ જમા કરાવીને પોતાની કંપનીઓ માટે લોન લીધી હતી. ત્યારબાદ તેમણે પોતાની વાસ્તવિક નેટવર્થ છુપાવી હતી.

CBI એ સુભાષ ચંદ્રા ઉપરાંત પંકજ સુરોલિયા, અમિશ પાંડ્યા અને રાજીવ ધોળકિયા સામે કેસ દાખલ કર્યો છે. ચારેય પર 2018 થી 2023 ની વચ્ચે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ છે.

સુભાષ ચંદ્રા એસ્સેલ ગ્રુપના વડા છે, જે ઝી મીડિયાની માલિકી ધરાવે છે. તેઓ ઝી એન્ટરટેઇનમેન્ટના પૂર્વ ચેરમેન પણ છે.

લોન લેવા ₹59,113 કરોડની નેટવર્થ દર્શાવી

LIC HFL ના આરોપ મુજબ, સુભાષ ચંદ્રાએ 2018માં 'મેસર્સ વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ' અને તેમની અન્ય કંપનીઓ માટે લોન લીધી હતી. લોન મંજૂર કરાવવા તેમણે એક નેટવર્થ સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું, જેમાં તેમની વ્યક્તિગત કુલ સંપત્તિ ₹59,113 કરોડ દર્શાવવામાં આવી હતી.

આ નેટવર્થના આધારે LIC HFL એ તેમની કંપનીઓને ₹1,322 કરોડથી વધુની લોન આપી હતી. જ્યારે એસ્સેલ ગ્રુપની કંપનીઓ દેવું ચૂકવી શકી નહીં, ત્યારે સુભાષ ચંદ્રા સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

નાદારી પ્રક્રિયા દરમિયાન ચંદ્રાએ જણાવ્યું કે તેમની સંપત્તિ ક્યારેય એટલી નહોતી, જેટલી લોન લેતી વખતે દર્શાવવામાં આવી હતી. 2024માં તેમની વાસ્તવિક કુલ નેટવર્થ માત્ર ₹31.79 કરોડ હોવાનું તેમણે કહ્યું હતું.

₹22,000 કરોડની દેવાદારી સામે ₹6.5 કરોડની ઓફર

સુભાષ ચંદ્રાની નાદારી પ્રક્રિયા અગાઉ પણ વિવાદમાં રહી છે. તેમણે ₹22,000 કરોડની દેવાદારીના બદલે માત્ર ₹6.5 કરોડ આપીને મામલો પતાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને NCLT ની સિંગલ બેન્ચે સ્વીકારી લીધો હતો, પરંતુ વિવાદ બાદ NCLT એ કેસની સુનાવણી માટે પાંચ સભ્યોની મોટી બેન્ચ બનાવી છે.

NCLT એ 25 ઓગસ્ટના આદેશ પર રોક લગાવી છે અને સુભાષ ચંદ્રાને તેમની કોઈપણ સંપત્તિ વેચવા કે ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. NCLT ના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે પાંચ સભ્યોની બેન્ચ બનાવવામાં આવી છે.

NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) એક ખાસ સરકારી અદાલત છે, જે કંપનીઓ અને વ્યવસાય સંબંધિત વિવાદોનો નિકાલ કરે છે. જ્યારે કોઈ કંપની કે વેપારી દેવું ચૂકવી શકતો નથી, ત્યારે બેંકો અને લેણદારો વસૂલાત માટે NCLT નો સંપર્ક કરે છે.