સત્ય. સાહસ. સંકલ્પ.

2027માં ગરમી રેકોર્ડ તોડશે: NOAAની 1950 પછીની સૌથી શક્તિશાળી અલ નીનોની ચેતવણી

2027માં ગરમી રેકોર્ડ તોડશે: NOAAની 1950 પછીની સૌથી શક્તિશાળી અલ નીનોની ચેતવણી

અમેરિકાની હવામાન એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ ચેતવણી આપી છે કે 2027માં તાપમાનના જૂના રેકોર્ડ તૂટી શકે છે. પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ ગંભીર બની રહી છે અને 1950 પછીનો આ સૌથી શક્તિશાળી અલ નીનો સાબિત થઈ શકે છે.

NOAAના તાજેતરના આંકડા મુજબ, ઓક્ટોબરથી ડિસેમ્બર અને નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અલ નીનો 1950 પછીના તમામ રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા લગભગ 60 ટકા છે. આ સમયગાળામાં સમુદ્રની સપાટીનું સરેરાશ તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ વધી શકે છે. ઓક્ટોબરથી જ ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરના પશ્ચિમી વિસ્તારોમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે, જે 1950ના દાયકામાં નોંધણી શરૂ થયા પછી પ્રથમ વખત છે. વિશ્વ હવામાન સંગઠન (WMO) એ પણ આ વર્ષે ઓક્ટોબરમાં તાપમાન અસાધારણ સ્તરે પહોંચવાની આશંકા વ્યક્ત કરી હતી.

અલ નીનો એ કુદરતી હવામાન ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગરના ભૂમધ્યરેખીય વિસ્તારમાં સમુદ્રનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થાય છે. આ ઘટના અલ નીનો સાઉથર્ન ઓસિલેશન (ENSO) ચક્રનો એક તબક્કો છે. જ્યારે નિનો 3.4 વિસ્તારમાં સમુદ્રની સપાટીનું સરેરાશ તાપમાન સતત ત્રણ મહિના સુધી સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે છે, ત્યારે અલ નીનોની સ્થિતિ જાહેર કરવામાં આવે છે.

અલ નીનોની અસર માત્ર સમુદ્રના તાપમાન પૂરતી મર્યાદિત નથી. તેના કારણે દુનિયાભરના હવામાન ચક્રમાં મોટા ફેરફાર થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તાપમાનમાં ઝડપથી વધારો થવાની સાથે ગરમી અને લૂનું પ્રમાણ વધી શકે છે. જંગલોમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થવાનું જોખમ રહે છે. આમ, 2027માં અલ નીનોની સંભવિત અસરને કારણે દુનિયાના અનેક વિસ્તારોમાં હવામાનની સ્થિતિ પડકારજનક બની શકે છે. હવામાન એજન્સીઓ તાપમાન, વરસાદ અને ગરમીના બદલાતા વલણ પર નજર રાખી રહી છે.