સત્ય. સાહસ. સંકલ્પ.

શેરબજારમાં સંવત ૨૦૮૩માં ૧૨-૧૩% વળતરની આશા, નિષ્ણાતોની નજર રિકવરી પર

શેરબજારમાં સંવત ૨૦૮૩માં ૧૨-૧૩% વળતરની આશા, નિષ્ણાતોની નજર રિકવરી પર

ભારતીય શેરબજાર માટે સંવત ૨૦૮૨ પડકારજનક રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં રોકાણકારોના પોર્ટફોલિયોમાં થયેલા નુકસાને આ વાતની પ્રતીતિ કરાવી છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ, યુક્રેન-રશિયા સંઘર્ષ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો, વિદેશી રોકાણકારો (FPI) દ્વારા વર્ષના મોટાભાગના દિવસોમાં શેરોનું સતત વેચાણ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને કારણે ભારતીય IT ક્ષેત્રમાં ઊભી થયેલી અનિશ્ચિતતાએ બજારના મૂડને પ્રભાવિત કર્યો હતો. પરિણામે સેન્સેક્સ અને નિફટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

જોકે, સંવત ૨૦૮૨ના અંત પહેલાના છેલ્લા ૧૦ દિવસમાં અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીઓના પરિણામો અને અન્ય સકારાત્મક પરિબળોને કારણે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. આ તેજીને ધ્યાનમાં રાખીને બજારના નિષ્ણાતો સંવત ૨૦૮૩માં ભારતીય શેરબજારમાં રિકવરી ચાલુ રહેવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.

નિષ્ણાતોના અંદાજ મુજબ, નવા વર્ષની શરૂઆત પહેલા આ તેજી ચાલુ રહી શકે છે, અને સંવત ૨૦૮૩માં ધીમે ધીમે રિકવરી સાથે ભારતીય ઈક્વિટી બજાર ૧૨થી ૧૩ ટકા જેટલું વળતર આપી શકે છે.

સેકન્ડરી માર્કેટ માટે સંવત ૨૦૮૨ ઘણા શેરોમાં નકારાત્મક વળતર લઈને આવ્યું, પરંતુ પ્રાઇમરી માર્કેટ (IPO)ની ભરમારને કારણે આ વર્ષ ભારતીય શેરબજારના ઇતિહાસમાં ઐતિહાસિક બની રહ્યું છે. સંવત ૨૦૮૩માં પણ IPOની ભરમાર ચાલુ રહેવાની શક્યતા છે.