સત્ય. સાહસ. સંકલ્પ.

ઓક્ટોબરના પહેલા દિવસે શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 950 પોઈન્ટ અને નિફ્ટી 319 પોઈન્ટ તૂટ્યા

ઓક્ટોબરના પહેલા દિવસે શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 950 પોઈન્ટ અને નિફ્ટી 319 પોઈન્ટ તૂટ્યા

ભારતીય શેરબજારમાં ગુરુવારે ઓક્ટોબર મહિનાના પ્રથમ કારોબારી દિવસે ભારે વેચવાલી જોવા મળી. બપોરે 1 વાગ્યા બાદ અચાનક આવેલા વેચાણના દબાણને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 950 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 319 પોઈન્ટ તૂટ્યો હતો.

બજારની શરૂઆત સુસ્ત રહી હતી, પરંતુ બપોર પછી ચોમેર વેચવાલી વધી હતી. સેન્સેક્સ અગાઉના બંધ 72,480 ની સામે 72,192 પર ખૂલ્યો હતો અને બપોર સુધીમાં 71,527 સુધી ગગડ્યો હતો, એટલે કે 950 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી અગાઉના બંધ 22,620 સામે 22,543 પર ખૂલ્યો હતો અને 22,301 સુધી પહોંચી ગયો હતો.

આ ઘટાડામાં ઓટો ક્ષેત્રના શેરો સૌથી વધુ પ્રભાવિત થયા હતા, જેમાં 3% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. લાર્જકેપ શેરોમાં મારુતિ (4.45%), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (4.35%), ટાટા સ્ટીલ (3.70%), આઈટીસી (2.90%), અદાણી પોર્ટ્સ (2.74%), બીઈએલ (2.70%), ઇટર્નલ (2.50%) અને એચયુએલ (2.45%) ઘટ્યા હતા. મિડકેપમાં પોલિસી બજાર 6.50% અને યુપીએલ 4.07% તૂટ્યા હતા. સ્મોલકેપમાં સાનસેરા 6.80% ઘટ્યો હતો.

બજારમાં આ ઘટાડા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર મનાય છે. પ્રથમ, વિદેશી રોકાણકારો (FII) દ્વારા ભારે વેચવાલી કરવામાં આવી રહી છે. યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારાને કારણે વિદેશી ફંડોએ 30 સપ્ટેમ્બરના રોજ જ 10,000 કરોડ રૂપિયાથી વધુની રોકડી કરી હતી. બીજું, ડોલર સામે રૂપિયો 95.98 ના સ્તરે પહોંચી જતાં બજારનું મનોબળ નબળું પડ્યું હતું. ત્રીજું, રોકાણકારોના ભયનો ગ્રાફ દર્શાવતો ઇન્ડિયા વિક્સ (India VIX) આંક 5% વધીને 14.13 પર પહોંચ્યો હતો.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક પરિબળો અને રૂપિયામાં ઘટાડો બજાર પર દબાણ લાવી રહ્યા છે. રોકાણકારોએ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.