ગયા શુક્રવારે 25 સપ્ટેમ્બરે શેરબજાર સતત સાતમા અઠવાડિયે ઘટાડા સાથે બંધ થયા બાદ, આજે 28 સપ્ટેમ્બરે સોમવારે પણ બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1000 પોઈન્ટ (1.30%) ઘટીને 72,900 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 300 પોઈન્ટ (1.20%)નો ઘટાડો થયો છે અને તે 22,850 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેન્કિંગ, FMCG અને રિયલ્ટી શેરોમાં આજે વધુ વેચવાલી જોવા મળી રહી છે.
આ ઘટાડાના કારણે રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયાથી વધુની ખોટ થઈ છે. BSEની લાર્જકેપ કેટેગરીમાં સામેલ તમામ 30 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સૌથી વધુ ઘટાડા સાથે HDFC બેંક (1.90%), કોટક બેંક (1.80%), SBI (1.60%), HUL (1.58%), ટ્રેન્ટ (1.56%), બજાજ ફાઇનાન્સ (1.40%), રિલાયન્સ (1.35%) અને ICICI બેંક (1.34%)ના શેર કારોબાર કરી રહ્યા હતા.
બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી અને BSE બેન્કેક્સ 1.60% ઘટ્યો. તેવી જ રીતે આઈટી શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો અને IT ઈન્ડેક્સ 1.10% ગગડ્યો.
બજાર ઘટવાના મુખ્ય કારણો:
1. ક્રૂડ ઓઈલની ભાવ વધારો: બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ 107 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે. ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચિંતાના કારણે તેલના પુરવઠા પર અસર થવાનો ભય છે. ભારત માટે મોંઘું તેલ ચિંતાનો વિષય છે, કારણ કે તેનાથી આયાત ખર્ચ, મોંઘવારી અને રૂપિયા પર દબાણ વધી શકે છે.
2. ભૂ-રાજકીય તણાવ: અમેરિકા-ઈરાન વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બીજી તરફ રશિયા-યુક્રેન વચ્ચેનો તણાવ ફરી વધવા લાગ્યો છે. જેના કારણે બજાર પર દબાણ યથાવત્ છે.
3. અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો: અમેરિકામાં 10 વર્ષના ટ્રેઝરી બોન્ડની યીલ્ડ વધીને 5.11% પર પહોંચી ગઈ છે, જે 2007 પછીનું સૌથી ઊંચું સ્તર છે. બોન્ડ યીલ્ડ એટલે સરકારી બોન્ડ પર મળતું વાર્ષિક વળતર, જે બજારમાં માંગ-પુરવઠા અને ખરીદ-વેચાણના આધારે નક્કી થાય છે. યીલ્ડ વધવાથી ડોલરમાં રોકાણ વધુ આકર્ષક બને છે, જેના કારણે વિદેશી રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારોમાંથી નાણાં કાઢીને અમેરિકામાં રોકાણ કરે છે.
સોનું-ચાંદીમાં પણ ઘટાડો: સ્થાનિક કોમોડિટી માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 2,675 રૂપિયા ઘટીને 1,48,025 રૂપિયા પર આવી ગયો છે. ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે. એમસીએક્સ પર સિલ્વર 6,121 રૂપિયા ઘટીને 2,28,879 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. આ ભાવ સ્પોટ પ્રાઇસ નથી, પરંતુ વાયદાના ભાવ છે. એમસીએક્સના આંકડા અનુસાર, 29 જાન્યુઆરીએ સોનું 1,93,096 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે હતું અને ત્યારથી અત્યાર સુધીમાં 45,071 રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે. જ્યારે સિલ્વરનો ઓલ ટાઇમ હાઇ 4,20,048 રૂપિયા હતો અને તે 1,91,169 રૂપિયા સસ્તી થઈ ચૂકી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું: સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ લગભગ 0.5% ઘટીને 4,261.59 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું. સવારે 7:56 વાગ્યે સિંગાપોરમાં સોનું લગભગ 4,265 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સપ્ટેમ્બરમાં સોનું 4,230થી 4,510 ડોલર પ્રતિ ઔંસની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. જાન્યુઆરીમાં 5,600 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તર પર પહોંચ્યા બાદ હવે તે તેનાથી ઘણું નીચે છે.
આજથી બે IPO ખુલશે: આજથી SRIT ઈન્ડિયા અને શેર બ્રોકિંગ ફર્મ શાહ ઇન્વેસ્ટર્સ હોમનો IPO ખુલશે. SRIT ઈન્ડિયા IPO મારફતે 218 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે.