સત્ય. સાહસ. સંકલ્પ.

શેરબજારમાં ભારે ઘટાડો: સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે

શેરબજારમાં ભારે ઘટાડો: સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે

શુક્રવારે વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 740થી વધુ પોઈન્ટ ઘટીને 74,160 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 આશરે 250 પોઈન્ટના ઘટાડા સાથે 23,231ની ઇન્ટ્રાડે સપાટીએ આવી ગયો. આ ઘટાડાને કારણે રોકાણકારોને શરૂઆતની મિનિટોમાં જ લાખો કરોડનું નુકસાન થયું.

બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને આશરે 478 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. માત્ર શરૂઆતની પાંચ મિનિટમાં જ રોકાણકારોના અંદાજે 6 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ દોઢ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન તથા યમનના હૂથી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થિત દળો વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બનતાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત ફરી વધીને પ્રતિ બેરલ 109 ડૉલરને પાર પહોંચી ગઈ છે. 100 ડૉલરની આજુબાજુ ચાલી રહેલા બ્રેન્ટ ક્રૂડના ભાવ એક જ દિવસમાં ઉછળીને 109 ડૉલરની સપાટીને સ્પર્શી જતાં આખી દુનિયામાં તેની અસર જોવા મળી હતી. આનાથી સપ્લાય શિથિલ થવાની અને વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાની દહેશત ઊભી થઈ છે, જેની સીધી અસર ભારતના જીડીપી ગ્રોથ અને કોર્પોરેટ કમાણી પર પડી શકે છે.

યુએસ બોન્ડ યીલ્ડમાં તીવ્ર વધારો

અમેરિકામાં વધતી મોંઘવારી અને દેવાને કારણે યુએસ 10-વર્ષીય બોન્ડ યીલ્ડ વધીને 4.98 ટકા પર પહોંચી ગઈ છે. આ વધારો 5 ટકાની મહત્ત્વની સપાટીની નજીક છે, જેને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ સિવાય યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતાએ પણ બજારની ચિંતા વધારી છે.

યુએસ-ઈરાન તણાવ વધુ વકર્યો

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે, જેના કારણે નજીકના ભવિષ્યમાં આ વિવાદનો ઉકેલ આવવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે. હૂથી વિદ્રોહીઓ દ્વારા યમનના મોટા પોર્ટ પર કબજો જમાવવામાં આવતાં ઓઇલ સપ્લાય શિપમેન્ટ પ્રભાવિત થવાનો ડર વધી ગયો છે, જે વૈશ્વિક બજારો માટે નકારાત્મક સાબિત થઈ રહ્યો છે.

અન્ય મહત્ત્વના કારણો

આ મુખ્ય કારણો ઉપરાંત, દેશમાં આઈપીઓની બોલબાલાને કારણે માર્કેટમાંથી મોટું નાણું પ્રાઇમરી માર્કેટ તરફ વળી ગયું છે, જેણે સેકન્ડરી માર્કેટને અસર કરી છે. વળી, યુએસ ડૉલર સામે ભારતીય રૂપિયો પણ 27 પૈસા ઘટીને 95.79ના સ્તરે પહોંચી ગયો છે, જેનાથી બજાર પરનું દબાણ વધુ વધ્યું છે. અમેરિકામાં મોંઘવારીના આંકડા પણ મજબૂત સામે આવ્યા છે જેના કારણે ફેડરલ બેન્ક દ્વારા વ્યાજદરોમાં વધારો ઝીંકવાની શક્યતા વધી ગઈ છે. જ્યારે બીજી બાજુ વિદેશી રોકાણકારો જબરદસ્ત રીતે વેચાણ કરી રહ્યા હોવાથી FIIનો આંકડો ગગડતો જઈ રહ્યો છે.