સત્ય. સાહસ. સંકલ્પ.

સ્ટીવ સ્મિથ 2027 એશિઝ અંગે અનિશ્ચિત, 2028 ઓલિમ્પિકમાં રમવાની ઈચ્છા

સ્ટીવ સ્મિથ 2027 એશિઝ અંગે અનિશ્ચિત, 2028 ઓલિમ્પિકમાં રમવાની ઈચ્છા

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર સ્ટીવ સ્મિથે 2027માં યોજાનારી એશિઝ સિરીઝમાં ટેસ્ટ ક્રિકેટ રમવાની ગેરંટી આપી નથી. ડબલિનમાં યુરોપિયન T-20 પ્રીમિયર લીગમાં એમ્સ્ટરડેમ ફ્લેમ્સ વતી રમતી વખતે તેમણે કહ્યું, 'મને ખબર નથી કે હું ત્યારે ત્યાં હોઈશ કે નહીં. હું સિરીઝ-દર-સિરીઝ આગળ વધી રહ્યો છું. તે સમય હજુ ઘણો દૂર છે, તેથી હું આ અંગે વચન આપી શકતો નથી.'

જોકે, સ્મિથે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા માટે રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમી રહ્યો છે. ક્રિકેટ 128 વર્ષ પછી 2028 ઓલિમ્પિકમાં પરત ફરશે, જ્યાં પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં T-20 સ્પર્ધા યોજાશે. ત્યારે સ્મિથ 39 વર્ષના હશે.

સ્મિથે કહ્યું, 'હાલમાં મારા કરિયરનો સૌથી મોટો લક્ષ્ય ઓલિમ્પિકમાં સામેલ થવાનો છે.' તેમણે જણાવ્યું કે આ માટે તેઓ વધુને વધુ T-20 ક્રિકેટ રમી રહ્યા છે. તેમણે નિવૃત્તિની કોઈ તારીખ જણાવ્યા વિના કહ્યું કે ટેસ્ટ કરિયર પૂરી થયા પછી પણ તેઓ T-20 ક્રિકેટ રમી શકે છે. 'હું હજી પણ માનું છું કે હું થોડા સમય સુધી T-20 ક્રિકેટ રમી શકું છું. આગળ શું કરીશ તે નક્કી નથી. આશા છે કે રમવા માટે હજી થોડો સમય બાકી છે.' તેમણે કહ્યું કે તેમની કોઈ નિશ્ચિત અંતિમ તારીખ નથી અને કોચિંગમાં જવા અંગે પણ હજુ નિર્ણય કર્યો નથી.

સ્મિથ માટે ઇંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ જીતનારી ટીમનો ભાગ બનવું હજુ પણ એક સપનું છે. ઓસ્ટ્રેલિયાએ 2019 અને 2023ની સિરીઝ 2-2થી ડ્રો થયા બાદ એશિઝ પોતાની પાસે રાખી હતી, પરંતુ ઇંગ્લેન્ડની ધરતી પર તેની છેલ્લી સિરીઝ જીત 2001માં આવી હતી. સ્મિથે કહ્યું, 'હું ઇંગ્લેન્ડમાં એશિઝ જીતવાનું ચોક્કસ પસંદ કરીશ. પરંતુ જોઈએ કે આ ક્યારે પૂરું થાય છે.'

એશિઝમાં સ્મિથે 41 મેચોમાં 13 સદીની મદદથી 3703 રન બનાવ્યા છે. તે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં માત્ર ડોન બ્રેડમેનથી પાછળ છે. બ્રેડમેને 37 ટેસ્ટમાં 19 સદી સાથે 5028 રન બનાવ્યા હતા.