સત્ય. સાહસ. સંકલ્પ.

સ્ટર્લિંગ ઓઇલે ઇટાલીની એનીની નાઇજીરિયન કંપની AENRનું અધિગ્રહણ પૂર્ણ કર્યું

સ્ટર્લિંગ ઓઇલે ઇટાલીની એનીની નાઇજીરિયન કંપની AENRનું અધિગ્રહણ પૂર્ણ કર્યું

મૂળ ભારતીય ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની કંપની સ્ટર્લિંગ ઓઇલ એક્સપ્લોરેશન એન્ડ એનર્જી પ્રોડક્શન લિમિટેડે ઇટાલીની ઊર્જા કંપની એની (Eni)ની નાઇજીરિયન પેટાકંપની એજીપ એનર્જી એન્ડ નેચરલ રિસોર્સિસ (નાઇજીરિયા) લિમિટેડ (AENR)નું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે. આ જાણકારી એની દ્વારા 26 ઓક્ટોબરે જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી છે.

નિવેદન મુજબ, સ્ટર્લિંગ ઓઇલની પેટાકંપની એપેક્સ ગ્લોબલ એનર્જી લિમિટેડને આ વેચાણ તમામ નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ પૂર્ણ થયું છે. એનીએ સ્ટર્લિંગ ઓઇલને નાઇજીરિયાના ઓનશોર ક્ષેત્રની અગ્રણી ઓપરેટર કંપનીઓમાં ગણાવી છે.

અધિગ્રહણ કરાયેલી AENR પાસે નાઇજીરિયાના રેનેસાં સંયુક્ત સાહસમાં 5% હિસ્સો છે, જે ઓનશોર ઓઇલ અને ગેસ સાહસોમાં સામેલ છે.

સ્ટર્લિંગ ઓઇલ સાંડેસરા પરિવારની માલિકીની કંપની છે, જેનું સંચાલન નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા કરે છે. કંપની સંપૂર્ણપણે પારિવારિક માલિકીની (ફેમિલી ઓન્ડ) અને દેવામુક્ત (ડેટ ફ્રી) છે, જેમાં કોઈ જાહેર શેરધારકો કે બાહ્ય સંસ્થાકીય રોકાણકારો નથી.

કંપનીએ વર્ષ 2006ના લાયસન્સિંગ રાઉન્ડ દ્વારા નાઇજીરિયામાં પ્રવેશ કર્યો હતો અને હાલ તે ઓઇલ માઇનિંગ લીઝ 143નું સંચાલન કરી રહી છે, જ્યાં વર્ષ 2011થી ઓકુવોબોમ બ્લેન્ડ ક્રૂડનું ઉત્પાદન થઈ રહ્યું છે.

આ અધિગ્રહણ એવા સમયે થયું છે જ્યારે શેલ, એક્સોનમોબિલ અને ટોટલએનર્જીસ જેવી વૈશ્વિક કંપનીઓ નાઇજીરિયાની ઓનશોર સંપત્તિઓ ખાનગી કંપનીઓને સુપરત કરી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં સ્ટર્લિંગ ઓઇલનું આ પગલું મહત્ત્વનું માનવામાં આવે છે.