સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: બોપલના સ્ટર્લિંગ સિટીમાં પોણા કલાકના વરસાદે રસ્તા બોળ્યા, ડ્રેનેજ કામ પર સવાલ

અમદાવાદ: બોપલના સ્ટર્લિંગ સિટીમાં પોણા કલાકના વરસાદે રસ્તા બોળ્યા, ડ્રેનેજ કામ પર સવાલ

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સ્ટર્લિંગ સિટીમાં પોણા કલાક જેટલો વરસાદ પડતાં જ સેક્ટર-A અને Bના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક જગ્યાએ પાણી મકાનોના ઓટલા સુધી પહોંચી જતાં રહીશોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાની ભીતિ ઊભી થઈ હતી.

ખાસ વાત એ છે કે આ અગાઉ પણ આ જ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું હતું અને કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યું પણ હતું. ત્યારબાદ થલતેજ વૉર્ડમાં ડ્રેનેજનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન બોડકદેવ વૉર્ડના સ્ટર્લિંગ સિટી સેક્ટર-Aમાં ખોદકામ કરીને ગટરની પાઈપો નાખવામાં આવી હતી અને તેનું જોડાણ મુખ્ય ગટર લાઇન સાથે કરવામાં આવ્યું હતું. છતાં વરસાદ પડતાં ફરી એ જ સ્થિતિ સર્જાતાં કામગીરીની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે.

રહીશોના જણાવ્યા મુજબ, આ કામગીરી દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટેની કેટલીક ગટરો બંધ થઈ ગઈ હતી. કામ દરમિયાન કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને વારંવાર જાણ કરવામાં આવી હતી કે વરસાદી પાણીની ગટર બંધ થશે તો રસ્તા પર ભરાયેલું પાણી બહાર કેવી રીતે જશે. તેમ છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હોવાનો રહીશોનો આક્ષેપ છે.

રહીશોનું કહેવું છે કે વરસાદી પાણીના નિકાલનો માર્ગ અસરગ્રસ્ત થતાં પાણી રસ્તા પર વધુ પ્રમાણમાં ભરાઈ રહે છે. ગઈકાલે પણ સામાન્ય વરસાદ દરમિયાન પાણી ભરાયા બાદ ગટરનું ઢાંકણું ખોલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, માત્ર થોડું ઢાંકણું ઊંચું કરીને કામગીરી કરવામાં આવી હોવાનો રહીશોનો આક્ષેપ છે. હવે ફરી વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાતાં સ્થાનિકોમાં એવો સવાલ ઊભો થયો છે કે ડ્રેનેજની કામગીરી બાદ પણ પાણીનો નિકાલ કેમ થઈ રહ્યો નથી.

સ્ટર્લિંગ સિટી સેક્ટર-A અને Bની વચ્ચેનો રોડ થલતેજ અને બોડકદેવ વૉર્ડની હદને અલગ કરે છે. જેના કારણે પાણી ભરાવાની સ્થિતિમાં કયા વૉર્ડ દ્વારા કામગીરી કરવી તે મુદ્દે પણ સ્થાનિકોમાં સવાલો ઊભા થાય છે. રહીશોનું કહેવું છે કે વૉર્ડની હદનો પ્રશ્ન ઊભો થાય ત્યારે જવાબદારી એકબીજા પર ઢોળાય તેના બદલે બંને વૉર્ડના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરોએ સ્થળ પર પહોંચી સમસ્યાનું નિરીક્ષણ કરવું જોઈએ.

શ્યામ બંગલો તથા સ્ટર્લિંગ સિટી સેક્ટર-A અને B વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા લાંબા સમયથી હોવાનો રહીશોનો દાવો છે. અગાઉની ઘટનાઓ બાદ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હોવા છતાં ફરી પાણી ભરાતાં હવે કાયમી ઉકેલની માગ ઉઠી છે. રહીશોનું કહેવું છે કે બંને વૉર્ડના કોર્પોરેટરો અને તંત્રના અધિકારીઓ સ્થળની મુલાકાત લઈ વાસ્તવિક સમસ્યા સમજે અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરે. માત્ર વરસાદ સમયે ઢાંકણું ખોલવાથી કે તાત્કાલિક કામગીરી કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ પાણી કયા માર્ગે અને કેટલી ઝડપથી બહાર નીકળે તેની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.