સત્ય. સાહસ. સંકલ્પ.

મંજૂરી વગર સ્ટેમ સેલ થેરાપી કરનારા ડૉક્ટરો અને ક્લિનિક સામે કાર્યવાહી, આરોગ્ય મંત્રાલયની ચેતવણી

મંજૂરી વગર સ્ટેમ સેલ થેરાપી કરનારા ડૉક્ટરો અને ક્લિનિક સામે કાર્યવાહી, આરોગ્ય મંત્રાલયની ચેતવણી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરની રાજ્ય સરકારોને સ્ટેમ સેલ થેરાપી અંગે કડક વલણ અપનાવવા સૂચના આપી છે. મંત્રાલયે જારી કરેલી એડવાઈઝરીમાં કહ્યું છે કે જે બીમારીઓ માટે સ્ટેમ સેલ થેરાપીની અસરકારકતા વૈજ્ઞાનિક પુરાવાથી સાબિત નથી, તેવી સારવાર કરતા ડોક્ટરો અને ક્લિનિક સામે કાર્યવાહી કરવામાં આવશે. મંજૂરી વગર અથવા નિર્ધારિત નિયમોની બહાર જઈને સ્ટેમ સેલ થેરાપી આપનારાઓ સામે દંડ, શિસ્તભંગની કાર્યવાહી અને ગંભીર કિસ્સામાં લાઇસન્સ રદ સુધીની કાર્યવાહી થઈ શકે છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્ટેમ સેલ થેરાપી દરેક બીમારી માટે વાપરી શકાય નહીં. તેનો ઉપયોગ ફક્ત એ જ બીમારીઓ અને સ્વાસ્થ્ય સ્થિતિઓમાં થઈ શકે, જે મંત્રાલયની નિર્ધારિત યાદીમાં સામેલ છે. આ યાદીમાં કેટલાક ગંભીર કેન્સર અને ઓટોઇમ્યુન બીમારીઓનો સમાવેશ થાય છે. જેમ કે એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા, બી-સેલ લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમા, તેમજ મલ્ટિપલ સ્ક્લેરોસિસ અને એપ્લાસ્ટિક એનિમિયા જેવી સ્થિતિઓ.

મંત્રાલયની યાદી મુજબ પુખ્ત વયના લોકોમાં 18 બીમારીઓ અને બાળકોમાં 14 બીમારીઓ માટે જ સ્ટેમ સેલ થેરાપીના ઉપયોગની પરવાનગી છે. બીજી કોઈ પણ બીમારી માટે આ થેરાપી વાપરવા માટે નિયમનકારી પ્રક્રિયા અને જરૂરી મંજૂરીનું પાલન કરવું પડશે.

ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અંગે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તે 18 માન્ય સ્થિતિઓની યાદીમાં સામેલ નથી. ઓટિઝમ માટે સ્ટેમ સેલ થેરાપી ફક્ત ક્લિનિકલ ટ્રાયલ તરીકે જ થઈ શકે છે, અને તે માટે પણ નક્કી કરેલી પ્રક્રિયા અને સંબંધિત મંજૂરી લેવી જરૂરી છે. સામાન્ય સારવાર તરીકે ઓટિઝમના દર્દીને આ થેરાપી આપવાની છૂટ નથી.

આ એડવાઈઝરીમાં આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર નિયમોનું ઉલ્લંઘન કરતા ડોક્ટરો સામે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના પ્રોફેશનલ એથિક્સને લગતા નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જ્યારે સ્ટેમ સેલ થેરાપી ઉપલબ્ધ કરાવતી ક્લિનિકલ સંસ્થાઓ સામે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ હેઠળ પગલાં લેવાશે, જેમાં દંડ અને લાઇસન્સ રદ કરવાની જોગવાઈ છે.