ગાંધીનગર: કેવડિયા ખાતે આવેલા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પરેડ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓરિસ્સા, ઝારખંડ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી BSF, CRPF અને ITBPના જવાનો ગુજરાત આવ્યા છે. તાવ અને શારીરિક અસ્વસ્થતાની ફરિયાદ બાદ છેલ્લા 10 દિવસમાં કુલ 87 જવાનોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તબીબોની સઘન સારવાર બાદ 50 જવાનો પૂર્ણપણે સાજા થતાં તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ સારવાર હેઠળના 37 જવાનોનું સ્વાસ્થ્ય સ્થિર છે અને તેમાં સુધારો થઈ રહ્યો છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને તાવની સારવાર લઈ રહેલા સુરક્ષા દળોના જવાનોની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મુલાકાત લીધી હતી. મંત્રીએ હોસ્પિટલમાં દાખલ જવાનોની ખબર-અંતર પૂછી તેમનું મનોબળ વધાર્યું હતું. તબીબો અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે બેઠક યોજીને તેમણે જવાનોને ઉત્તમ સારવાર પૂરી પાડવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
જવાનોની સારવાર અંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે દેશની રક્ષા કરતા આ જવાનોની યોગ્ય સંભાળ લેવી એ આપણી નૈતિક જવાબદારી છે. તેમણે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. મીતા પરીખ અને તબીબોની ટીમને જવાનો માટે પૂરતું પાણી, પોષક નાસ્તો, તાજા ફળ, ફ્રૂટ જ્યુસ, સલાડ અને પૌષ્ટિક ભોજન સમયસર મળી રહે તેવી વિશેષ વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ડેન્ગ્યુની સારવાર માટે જરૂરી રક્ત અને પ્લેટલેટ્સનો પૂરતો સ્ટોક છે કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ દરમિયાન હોસ્પિટલમાં સારવાર હેઠળના એક જવાનનું અચાનક અવસાન થયું હતું. આરોગ્ય મંત્રીએ આ દુખદ ઘટના અંગે શોક વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી. મંત્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે જવાને અચાનક છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરતાં તાત્કાલિક ઈસીજી અને કાર્ડિયાક તપાસ કરીને તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સઘન સારવાર છતાં તેમને બચાવી શકાયા નહોતા. તબીબોના પ્રાથમિક તારણ મુજબ તાવ હોવા છતાં રોજિંદી ભારે કસરત ચાલુ રાખવાના કારણે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની આશંકા છે. જોકે સાચું કારણ ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા જવાનોના રહેઠાણના સ્થળો પર મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દિવસમાં બે વાર ફોગિંગ અને કીટકનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. વિશેષ ટીમ દ્વારા જવાનોના રહેઠાણના સ્થળે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.