સત્ય. સાહસ. સંકલ્પ.

સ્ટારલિંકને ભારતમાં મંજૂરી ન આપવા સ્વદેશી જાગરણ મંચની માંગ, રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો

સ્ટારલિંકને ભારતમાં મંજૂરી ન આપવા સ્વદેશી જાગરણ મંચની માંગ, રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો

ઈલોન મસ્કની સેટેલાઇટ ઈન્ટરનેટ કંપની સ્ટારલિંકને ભારતમાં વેપાર કરવાની મંજૂરી ન મળવાના મુદ્દે સ્વદેશી જાગરણ મંચ (SJM)એ વિરોધ વ્યક્ત કર્યો છે. આરએસએસ સાથે જોડાયેલી આ સંસ્થાએ કેન્દ્ર સરકારને સ્ટારલિંકને મંજૂરી ન આપવા માંગ કરી છે. SJMના જણાવ્યા અનુસાર, સ્ટારલિંકની ટેકનોલોજી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા સુરક્ષા માટે ગંભીર ખતરો છે, કારણ કે તેના સર્વર ભારતની બહાર સ્થિત છે.

આ પહેલા ઈલોન મસ્કે ભારતમાં પોતાની કંપનીને મંજૂરી ન મળવા અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેમના આ નિવેદનને રાહુલ ગાંધીએ પણ ટ્વિટર પર શેર કર્યું હતું, જેના પર વિવાદ વધતાં ભાજપે પ્રતિક્રિયા આપી હતી. હવે આ મુદ્દે સ્વદેશી જાગરણ મંચે પણ પોતાનું નિવેદન જાહેર કર્યું છે.

SJMએ મસ્કની આકરી ટીકા કરતાં કહ્યું કે, મસ્કે ભારત સરકારને એ નથી પૂછ્યું કે તેમની અરજી કેમ મંજૂર ન થઈ, પરંતુ સીધા ભારતના વેપારીઓ અને સરકાર પર હુમલો કર્યો. તેનો અર્થ એ છે કે સ્ટારલિંક ભારતમાં જરૂરી શરતો સાથે કામ કરવા તૈયાર નથી. મંચનું કહેવું છે કે મસ્ક કોઈપણ નિયમોનું પાલન કર્યા વિના દબાણ ઊભું કરીને લાઇસન્સ મેળવવા માંગે છે, જે યોગ્ય નથી.

ડેટા સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં સ્વદેશી જાગરણ મંચે જણાવ્યું, 'સ્ટારલિંકની ટેકનોલોજી ભારતની સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભો કરે છે. તે સેટેલાઇટ દ્વારા તમામ ડેટા એકત્રિત કરે છે અને પછી તેને જમીન પર સ્થિત પોતાના સર્વર પર મોકલે છે, જે ભારતની બહાર છે. ભારત સરકારે ચિંતા કરવી જોઈએ કે અહીંનો મહત્ત્વપૂર્ણ ડેટા ભારતીય ગેટવેની બહાર ન જાય. સ્ટારલિંકે ભારતના નિયમોનું પાલન કરીને જ કામ કરવું પડશે. જો લાયસન્સ નથી મળી રહ્યું તો તે યોગ્ય ફોરમ પર વાત કરે અને ભારતના નિયમોના પાલનનો ભરોસો આપે.'

એસજેએમના નેતા અશ્વિની મહાજને આ મુદ્દાને કાયદો-વ્યવસ્થા સાથે પણ જોડ્યો છે. તેમણે કહ્યું, 'ભારત હાલમાં ઘણા કાયદો-વ્યવસ્થાના પડકારો સામે ઝઝૂમી રહ્યું છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી કોઈપણ અફવા આગનું રૂપ ધારણ કરી શકે છે અને દેશવિરોધી નેરેટિવ ફેલાઈ શકે છે. આવા સંજોગોમાં ગમે ત્યારે નેટ બંધ કરવાની જરૂર પડે છે. જો સ્ટારલિંકને આદેશ મળ્યો અને તેણે પાલનમાં બેદરકારી દાખવી તો મુશ્કેલી ઊભી થશે. જો તેનું સર્વર જ ભારતની બહાર હશે તો નેટ બંધ કરાવવામાં પડકાર સામે આવશે.'

ઉલ્લેખનીય છે કે સ્ટારલિંકે ભારતમાં કામકાજ માટે અરજી કરેલી છે, પરંતુ અત્યાર સુધી તેને મંજૂરી મળી નથી. સ્વદેશી જાગરણ મંચનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં વિદેશી કંપનીઓ અને ડેટા સુરક્ષા અંગે ચર્ચા ચાલી રહી છે.