સત્ય. સાહસ. સંકલ્પ.

સ્ટારલિંક અને ભારત: મસ્કની એન્ટ્રી પાછળ વેપાર કે સત્તા પરિવર્તનનો ખેલ?

સ્ટારલિંક અને ભારત: મસ્કની એન્ટ્રી પાછળ વેપાર કે સત્તા પરિવર્તનનો ખેલ?

એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક ભારતમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મસ્કે ભારતના ટોચના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી (જિયો) અને સુનીલ ભારતી મિત્તલ (એરટેલ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે આ ધનાઢ્યો પોતાની મોનોપોલી જાળવવા માટે સ્ટારલિંકને ભારતમાં આવવા દેતા નથી.

નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલી ‘ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ’ (IMC)માં સ્ટારલિંકના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયરે પણ જણાવ્યું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં સેવા શરૂ કરવા સરકારી મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.

આ વિવાદ માત્ર બે વેપારી જૂથો વચ્ચેની હરીફાઈ નથી. તેની પાછળ વ્યાપારી સ્વાર્થ કે પછી ભૌગોલિક-રાજકીય કારણો છે કે કેમ, તે અંગે ચર્ચા શરૂ થઈ છે.

યાદ કરવું જરૂરી છે કે 2020માં દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયામાં રાજકીય અશાંતિ અને સત્તા પરિવર્તનની ઘટના સમયે મસ્કે સોશિયલ મીડિયા પર એક યુઝરના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું, “અમે જ્યાં ઈચ્છીએ ત્યાં સત્તા બદલી શકીએ છીએ, તમને ગમે કે ન ગમે.” પાછળથી તેમણે આ ટ્વીટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ તેનાથી તેમનો વિચાર સ્પષ્ટ થાય છે.

સ્ટારલિંક માત્ર ઇન્ટરનેટ સેવા આપતી કંપની નથી. અમેરિકી સંરક્ષણ મંત્રાલય (DoD) દ્વારા વિશ્વભરના યુદ્ધગ્રસ્ત અને અશાંત વિસ્તારોમાં સ્ટારલિંક ટર્મિનલ્સ પહોંચાડવામાં આવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાં સૈન્ય સંચાર જાળવવામાં સ્ટારલિંકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ગેરકાયદેસર રીતે સ્ટારલિંક ડિવાઇસ સ્મગલ કરીને પહોંચાડવામાં આવ્યા હતા, જેથી પ્રદર્શનોને વેગ મળ્યો.

સામાન્ય રીતે અફવાઓ, રમખાણો કે હિંસા રોકવા સરકાર સૌપ્રથમ ઇન્ટરનેટ બંધ કરે છે. પરંતુ સ્ટારલિંક જેવું સેટેલાઇટ નેટવર્ક ઉપલબ્ધ હોય તો સરકારના નિયંત્રણ વગર અફવાઓ ફેલાવીને દેશની અંદર સત્તા પરિવર્તનના પ્રયાસોને બળ મળી શકે છે.

ભારતમાં પણ આ જોખમના સંકેતો મળ્યા છે. 2024માં મણિપુરમાં વંશીય અશાંતિ અને હિંસા ચરમસીમા પર હતી ત્યારે સ્થાનિક પોલીસે ગેરકાયદેસર વપરાતા સ્ટારલિંક ડિવાઇસ જપ્ત કર્યા હતા. આ અંગે મસ્ક અને તેમની કંપનીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે સ્ટારલિંકની સેવા ભારતમાં હજુ શરૂ થઈ નથી, તેથી તેમની કોઈ ભૂમિકા નથી.

આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રીને ફક્ત વ્યાપારી દૃષ્ટિએ નહીં, પણ રાષ્ટ્રીય સુરક્ષા અને સંપ્રભુતાના સંદર્ભમાં જોવી જરૂરી છે. સરકારે તમામ પાસાઓની તપાસ કરીને નિર્ણય લેવો જોઈએ.